- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
- સિરીઝની બીજી મેચ 2 ફેબ્રુઆરીથી વિઝાગ સ્ટેડિયમમાં રમાશે
- વિશાખાપટ્ટનમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમના વિઝાગ સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ મેચ જીતીને સિરીઝમાં 1-0થી આગળ છે. હવે ઈંગ્લેન્ડની ટીમે બીજી ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે બે ફેરફાર કર્યા છે. જ્યાં એક તરફ જેક લીચ ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર હતો, તો બીજી તરફ ફાસ્ટ બોલર માર્ક વુડને પણ બીજી ટેસ્ટ મેચમાંથી બહાર રાખવામાં આવ્યો છે.
શોએબ બશીર ડેબ્યૂ કરશે
ઇંગ્લેન્ડ ટીમનો યુવા સ્પિન બોલર શોએબ બશીર વિઝા વિવાદને કારણે આ સીરીઝની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. પરંતુ તે હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન ટીમ સાથે જોડાયો હતો. જે બાદ હવે તેને વિશાખાપટ્ટનમ ટેસ્ટ માટે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. શોએબ બશીર હવે વિશાખાપટ્ટનમના મેદાન પર ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. શોએબ બશીરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા, ત્યારબાદ પસંદગીકારોની નજર તેના પર હતી.
જેમ્સ એન્ડરસનની એન્ટ્રી
સૌથી અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન પણ બીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમના પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે. જેમ્સ એન્ડરસનનો પ્રથમ મેચ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જે બાદ કેપ્ટન બેન સ્ટોક્સના નિર્ણય પર ઘણા સવાલો ઉભા થયા હતા. હવે માર્ક વૂડના સ્થાને એન્ડરસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ ( વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.