• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ
  • યશસ્વી જયસ્વાલે ફટકારી શાનદાર બેવડી સદી
  • ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો યુવા ભારતીય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેણે ઈંગ્લેન્ડ સામે 290 બોલમાં 209 રનની શાનદાર ઈનિંગ રમી હતી. યશસ્વીએ પોતાની ઇનિંગમાં 19 ફોર અને 7 સિકસર ફટકારી હતી. પોતાની જોરદાર ઇનિંગ્સ બાદ આ 22 વર્ષના યુવા બેટ્સમેને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

WTCમાં બેવડી સદી ફટકારનાર માત્ર ચોથો બેટ્સમેન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે શાનદાર બેવડી સદી ફટકારી હતી. જે બાદ યશસ્વી જયસ્વાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ભારત માટે બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા માત્ર વિરાટ કોહલી, રોહિત શર્મા અને મયંક અગ્રવાલ જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. પરંતુ હવે આ યાદીમાં યુવા યશસ્વી જયસ્વાલનું નામ પણ સામેલ થઈ ગયું છે.

આ કારનામું કરનાર ત્રીજો યુવા ભારતીય

યશસ્વી ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ભારતનો માત્ર ત્રીજો યુવા બેટ્સમેન બન્યો છે. આ યાદીમાં યશસ્વી ઉપરાંત લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર અને વિનોદ કાંબલીનો જ સમાવેશ થાય છે. જો કે ભારત માટે ટેસ્ટમાં સૌથી નાની વયની બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ વિનોદ કાંબલીના નામે છે. તેણે માત્ર 21 વર્ષ અને 32 દિવસની ઉંમરમાં આ બેવડી સદીને ફટકારી હતી. જ્યારે ગાવસ્કરે બેવડી સદી ફટકારી ત્યારે તેમની ઉંમર 21 વર્ષ 277 દિવસ હતી. જ્યારે યશસ્વીએ 22 વર્ષ અને 37 દિવસમાં આ બેવડી સદી ફટકારી છે.

ટેસ્ટમાં પહેલા દિવસે આટલા રન બનાવ્યા

જ્યાં બાકીના બેટ્સમેનો ઈંગ્લેન્ડના બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જ્યારે યશસ્વી જયસ્વાલ અલગ અંદાજમાં બેટિંગ કરીને ઈંગ્લેન્ડના બોલરોને હંફાવ્યા હતા. તેણે ઈંગ્લેન્ડના દરેક બોલરનો સામનો કર્યો અને દરેક સામે ફોર અને સિકસર ફટકારી હતી. આ સાથે યશસ્વી ભારત માટે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સૌથી વધુ સ્કોર બનાવનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે પહેલા દિવસે ઈંગ્લેન્ડ સામે અણનમ 179 રન બનાવ્યા હતા. આ યાદીમાં વીરેન્દ્ર સેહવાગ ટોપ પર છે. જેણે 2004માં મુલતાનમાં પાકિસ્તાન સામે પહેલા દિવસે 228 રન બનાવ્યા હતા. બીજા દિવસે તેણે પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી.

આ સ્ટેડિયમમાં બેવડી ફટકારનાર બીજો બેટ્સમેન

ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલા વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં માત્ર બે ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં માત્ર મયંક અગ્રવાલ આ મેદાન પર સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. હવે યશસ્વી જયસ્વાલ મયંક અગ્રવાલ પછી માત્ર બીજો બેટ્સમેન છે. જેણે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે 209 રન બનાવ્યા છે.

  • Follow us on: