ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદ વિલન સાબિત થયો હતો અને ટૉસ પણ થઈ શક્યો નહોતો. આખો દિવસ ભારે વરસાદ પડ્યો અને બંને ટીમના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાંથી ભીના મેદાન તરફ જોતા જ રહ્યા.જો કે, ઈન્દ્રદેવ ટેસ્ટના બીજા દિવસે ખરાબ મૂડમાં રહેવાના છે, જેના કારણે મેચની મજા બગડી શકે છે.
બીજા દિવસે હવામાન કેવું રહેશે?
ટેસ્ટ મેચના બીજા દિવસે પણ હવામાન ખરાબ રહેવાનું છે. Accuweatherના અહેવાલ મુજબ બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને સવારે ભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના છે. ચિન્નાસ્વામી ટેસ્ટના બીજા દિવસે વરસાદની શક્યતા 50 ટકાથી વધુ છે. તેનો અર્થ એ છે કે બીજા દિવસે પણ નિર્ધારિત સમય પર ટૉસ થવાની ઘણી ઓછી સંભાવના છે.
ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો અને બંને કેપ્ટન ટોસ માટે પણ જઈ શક્યા ન હતા. જો કે, ચિન્નાસ્વામી પાસે ખૂબ સારી ડ્રેનેજ સિસ્ટમ છે, જેના કારણે વરસાદ બંધ થયા પછી જમીન ઝડપથી સુકાઈ શકે છે.
ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમનો મજબૂત રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો અત્યાર સુધી 62 વખત એકબીજા સામે રમી છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 22માં જીત મેળવી છે, જ્યારે કીવી ટીમે 13 ટેસ્ટ મેચ જીતી છે. તે જ સમયે, 27 મેચ અનિર્ણિત રહી છે. ન્યૂઝીલેન્ડે વર્ષ 1988માં ભારતની ધરતી પર છેલ્લી ટેસ્ટ મેચ જીતી હતી. કિવી ટીમે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 12 ટેસ્ટ સિરીઝ રમી છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 10માં જીત મેળવી છે, જ્યારે 2 સિરીઝ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ન્યુઝીલેન્ડે છેલ્લે 20 વર્ષ પહેલા ભારત સામે ટેસ્ટ શ્રેણી ડ્રો કરી હતી.