ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની બેટિંગ પત્તાના ઘરની જેમ પડી ભાંગી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ભારત વિરુદ્ધ ગયો હતો, કારણ કે બીજા દિવસે ન્યૂઝીલેન્ડના ઝડપી બોલરોએ ટીમ ઈન્ડિયાની કમર તોડી નાખી હતી. તમને જણાવી દઈએ કે પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો. આ દરમિયાન માઈકલ વોને ટ્વિટ કરીને ભારતીય ચાહકોમાં આગમાં ઘી ઉમેર્યું છે.


ટીમ ઈન્ડિયા 46 રનમાં થઈ ઓલઆઉટ

ભારતની પ્રથમ ઇનિંગમાં ન્યુઝીલેન્ડના બોલરોએ એક પછી એક ભારતીય બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. રિષભ પંત (20) અને યશસ્વી જયસ્વાલ (13) સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા. પરિણામે, સમગ્ર ભારતીય ટીમ માત્ર 46 રનમાં આઉટ થઈ ગઈ હતી, જે ઘરઆંગણે તેનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે.

માઈકલ વોને ટીમ ઈન્ડિયાને કરી ટ્રોલ

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને ભારતીય ટીમ પર કટાક્ષ કર્યો હતો. તેણે લખ્યું, "સારા ભારતીય પ્રશંસકો જુઓ, ઓછામાં ઓછા તમે 36 રનથી લીડ લીધી." ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર છે.


હેનરી અને ઓરૂર્કે ભારતીય બેટિંગને બેકફૂટ પર મોકલી

પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ન્યુઝીલેન્ડના બોલરો મેટ હેનરી અને વિલિયમ ઓ'રર્કે ભારતીય બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. મેટ હેનરીએ 13.2 ઓવરમાં 1.13ની ઈકોનોમીમાં 5 વિકેટ ઝડપી હતી. જેમાં ત્રણ મેડન ઓવરનો સમાવેશ થતો હતો. જ્યારે વિલિયમ ઓ'રોર્કે 12 ઓવરમાં 1.83ની ઇકોનોમી સાથે 4 વિકેટ ઝડપી હતી. જેમાં 6 મેડન ઓવરનો સમાવેશ થતો હતો.

  • Follow us on: