ન્યૂઝીલેન્ડે બેંગ્લોર ટેસ્ટ પર પોતાની પકડ વધુ મજબૂત કરી લીધી છે. પ્રથમ દિવસની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ આ પછી કિવી બોલરોએ બીજા દિવસે તબાહી મચાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમના 5 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. લગભગ 8 વર્ષ બાદ ટેસ્ટ ફોર્મેટમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી 9 બોલમાં એકપણ રન બનાવ્યા વગર આઉટ થયો હતો. શુભમન ગિલની ગેરહાજરીમાં વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ આ નંબર વિરાટ કોહલી માટે અશુભ સાબિત થયો હતો.


વિરાટ કોહલીને ન્યુઝીલેન્ડના યુવા બોલર વિલિયમ ઓરુકે પોતાનો શિકાર બનાવ્યો હતો. આંકડા દર્શાવે છે કે ટેસ્ટ ફોર્મેટમાં વિરાટ કોહલી માટે નંબર-3નું સ્થાન સારું રહ્યું નથી. જો કે, વિરાટ કોહલીએ ODI ફોર્મેટમાં આ નંબર પર ઘણા રન બનાવ્યા છે, પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં આ નંબર અપશુકન રહ્યો છે.


નંબર-3 પર વિરાટ કોહલીના નામે છે આવો રેકોર્ડ

વિરાટ કોહલી 2012માં પ્રથમ વખત નંબર-3 પર આવ્યો હતો. અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે તે 14 રન બનાવી શક્યો હતો. આ પછી, તે 2013 માં મોહાલી અને દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સામે અનુક્રમે 34 રન, 1 રન અને 41 રન ઉમેરી શક્યો. વેસ્ટ ઈન્ડિઝ સામેની ગ્રોસ આઈલેટ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં તે અનુક્રમે 3 રન અને 4 રન બનાવી શક્યો હતો. આ ટેસ્ટ બંને ટીમો વચ્ચે 2016માં રમાઈ હતી. આ ટેસ્ટ બાદ લગભગ 8 વર્ષ બાદ વિરાટ કોહલી નંબર-3 પર ઉતર્યો હતો, પરંતુ તેનું નિરાશાજનક ફોર્મ ચાલુ રહ્યું હતું.

કોહલીને પસંદ નથી નંબર-3નું સ્થાન!

આંકડા દર્શાવે છે કે વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં નંબર 4 પર બેટિંગ કરવાનું પસંદ કરે છે. સચિન તેંડુલકર પછી વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં નંબર-4 પર ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ સ્થાન પર સચિન તેંડુલકરે 13492 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ નંબર-4 પર 7355 રન બનાવ્યા છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી બાદ ગુંડપ્પા વિશ્વનાથે સૌથી વધુ 7355 રન બનાવ્યા છે.

વિલિયમ ઓરુકે વિરાટ કોહલીને કર્યો આઉટ

આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાનો દાવ માત્ર 46 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતના 5 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ સિવાય ભારતના 9 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા ન હતા. વિરાટ કોહલીને વિલિયમ ઓરુકે આઉટ કર્યો હતો. વિલિયમ ઓરુકેના બોલ પર ગ્લેન ફિલિપ્સે વિરાટ કોહલીને લેગ ગલી પર કેચ આઉટ કરાવ્યો હતો.

  • Follow us on: