ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરૂમાં રમાનારી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત રદ કરવામાં આવી છે. બેંગલુરુમાં ભારે વરસાદ થયો છે. આ કારણોસર મેચ શરૂ થઈ શકી ન હતી. ટોસ પણ થઈ શક્યો ન હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગેની માહિતી શેર કરી છે. હવે મેચના બીજા દિવસે ગુરુવારે ટોસ થશે. બીસીસીઆઈએ ટોસ અને મેચનો સમય પણ જણાવી દીધો છે.
બીજા દિવસની રમતના સમયમાં થયો બદલાવ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારે સવારે 9.30 કલાકે ટેસ્ટ મેચ શરૂ થવાની હતી. આ માટે સવારે 9 વાગ્યે ટોસ થવાની હતી. પરંતુ અહીં ખૂબ વરસાદ પડ્યો છે. આ કારણે ટોસ પણ થઈ શક્યો નહોતો. બેંગલુરુમાં પણ વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો છે. હવે BCCIએ મેચ અને ટોસનો નવો સમય જાહેર કર્યો છે. આ મેચ માટે ટોસ ગુરૂવારે સવારે 8.45 કલાકે થશે. મેચ 9.15 વાગ્યે શરૂ થશે. મેચનો પ્રથમ દિવસ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો.
બીજા દિવસે સત્રનો સમય પણ બદલાયો
બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસે સત્રનો સમય પણ બદલાશે. દિવસનું પ્રથમ સત્ર સવારે 9.15 થી 11.30 સુધીનું રહેશે. બીજું સત્ર બપોરે 12.10 થી 02.25 સુધી રહેશે. જ્યારે ત્રીજું સત્ર બપોરે 02.45 થી 04.45 સુધી રહેશે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કરી ઇન્ડોર પ્રેક્ટિસ
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ સહિત ઘણા ખેલાડીઓએ મેચના પહેલા દિવસે ઇન્ડોર પ્રેક્ટિસ કરી હતી. વરસાદને કારણે જમીન ખૂબ જ ભીની હતી. આ કારણોસર ખેલાડીઓએ ઇન્ડોર પ્રેક્ટિસ કરી હતી. કોહલી અને યશસ્વી પણ મેદાનમાંથી કિટ બેગ લઈને જતા જોવા મળ્યા હતા. પ્લેઈંગ ઈલેવનમાં યશસ્વી અને કોહલીનું સ્થાન લગભગ નિશ્ચિત છે. યશસ્વીને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે.