વાનખેડે મેદાન પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનરોનો દબદબો રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ પોતાના પંજા ખોલીને પાંચ કીવી બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, જ્યારે વોશિંગ્ટન સુંદર પણ ચાર વિકેટ પોતાના નામે કરવામાં સફળ રહ્યો હતો. જો કે, આર અશ્વિનને એક પણ વિકેટ મળી ન હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ન્યૂઝીલેન્ડની આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હોય ત્યારે પણ અશ્વિન એક પણ વિકેટ લઈ શક્યો ન હતો.
અશ્વિન સાથે આવું પહેલીવાર બન્યું
વાનખેડેની એ જ પિચ પર જ્યાં કિવિ બેટ્સમેનો જાડેજા અને સુંદરના સ્પિનિંગ બોલથી હારેલા જણાતા હતા, ત્યાં 14 ઓવરનો સ્પેલ ફેંકવા છતાં આર અશ્વિન એક પણ વિકેટ લઈ શક્યો નથી. સ્પિનરોએ 10 માંથી 9 વિકેટ લીધી હતી, પરંતુ અશ્વિનની સ્પિનનો જાદુ ચાલી શક્યો નહોતો. ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે અશ્વિન ન્યૂઝીલેન્ડની આખી ઈનિંગ્સ સમેટાઈ જવા છતાં એક પણ વિકેટ લઈ શક્યો નથી. આ પહેલા ટેસ્ટમાં જ્યારે પણ ભારત સામે આખી કિવી ટીમ એક ઇનિંગમાં ઓલઆઉટ થતી ત્યારે અશ્વિનના ખાતામાં દરેક વખતે વિકેટો આવતી હતી.
જાડેજાનો ચાલ્યો જાદૂ
અશ્વિનને ભલે કોઈ વિકેટ મળી ન હતી, પરંતુ તેના પાર્ટનર રવિન્દ્ર જાડેજાએ પોતાની સ્પિનની મદદથી કિવી બેટ્સમેનોને પીચ પર ઉભા રહેવા દીધા ન હતા. જાડેજા તેના ફરતા બોલના કારણે ન્યૂઝીલેન્ડ માટે અગમ્ય કોયડો સાબિત થયો હતો. જાડેજાએ તબાહી મચાવીને મહેમાન ટીમના પાંચ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વિલ યંગ અને ડેરિલ મિશેલ જેવા બેટ્સમેન પણ જડ્ડૂના સ્પિન જાળમાં ફસાઈ ગયા, જેમણે ન્યૂઝીલેન્ડ માટે પ્રથમ દાવમાં સૌથી વધુ રન બનાવ્યા.
જાડેજાએ ઝહીર ખાન અને ઈશાંત શર્માને છોડ્યા પાછળ
22 ઓવરના સ્પેલમાં જાડેજાએ 65 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા. આ સાથે જ જાડેજા ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે હવે પાંચમા સ્થાને આવી ગયો છે. મેચમાં ત્રીજી વિકેટ પડતા ભારતીય સ્પિનરે ઝહીર ખાન અને ઈશાંત શર્માને પાછળ છોડી દીધા હતા. જાડેજાના નામે હવે કુલ 314 વિકેટ છે.