ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાએ એક મોટી ચાલ રમી છે. યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ભારતીય ટીમમાં એન્ટ્રી કરી લીધી છે. હર્ષિત રાણાને રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ છોડીને ભારતીય ટીમ સાથે જોડાવા માટે કહેવામાં આવ્યું છે. આસામ સામે રમાયેલી મેચમાં હર્ષિતે શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી અને પાંચ વિકેટ પણ પોતાના નામે કરી.


હર્ષિત રાણાને આવ્યો ફોન

હર્ષિત રાણાને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના સતત મજબૂત પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો છે. હર્ષિતે તાજેતરમાં આસામ સામે રમાયેલી મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું, તેને ફિફ્ટી ફટકારી હતી અને પાંચ વિકેટ લીધી હતી. મીડિયા રિપોર્ટ મુજબ હર્ષિતને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હર્ષિત મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડેબ્યૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે બોર્ડર-ગાવસ્કર સિરીઝ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં યુવા ફાસ્ટ બોલરને સામેલ કરવામાં આવ્યો છે.

 

આસામ સામે જોરદાર પ્રદર્શન

હર્ષિત રાણાએ બેટ અને બોલ બંને વડે આસામમાં ધૂમ મચાવી હતી. હર્ષિતે સિદ્ધાંત શર્મા સાથે શાનદાર ભાગીદારી કરી હતી અને 59 રનની મજબૂત ઈનિંગ રમી હતી. બોલિંગમાં પણ, યુવા ફાસ્ટ બોલરે ધૂમ મચાવી હતી અને પાંચ વિકેટ પોતાના નામે કરી. IPL 2024માં KKR તરફથી રમતી વખતે પણ હર્ષિતે તેની બોલિંગથી ફેન્સને પ્રભાવિત કર્યા હતા. હર્ષિતની બાંગ્લાદેશ સામે રમાયેલી ત્રણ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. પરંતુ હર્ષિત વાઈરલ ઈન્ફેક્શનને કારણે ત્રીજી ટી20માં ડેબ્યૂ કરી શક્યો ન હતો.

મુંબઈમાં થશે જોરદાર ટક્કર

બેંગલુરુ અને પછી પુણેમાં હાર સાથે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ હારી ગઈ છે. 12 વર્ષ બાદ કોઈ ટીમે ભારતને તેની જ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું છે. કિવી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને બીજી ટેસ્ટ મેચમાં ભારતને 113 રનથી હરાવ્યું. ન્યુઝીલેન્ડે 69 વર્ષમાં પહેલી વખત ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતી છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું હતું. રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, શુભમન ગિલ જેવા પાવરફુલ બેટ્સમેન ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા.

  • Follow us on: