ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચાલું છે. પ્રથમ દિવસની રમત ધોવાયા બાદ બેંગલુરૂમાં મેચ રમાઈ રહી છે. રચિન રવિન્દ્ર પ્રથમ દાવમાં ભારત માટે દિવાલ બની ગયો છે. તેણે બેંગલુરુ ટેસ્ટ મેચમાં સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર મોકલી દીધી છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી છે. રવિન્દ્રએ 124 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. તે હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ઈતિહાસમાં ભારતીય ધરતી પર સદી ફટકારનાર 21મો ખેલાડી બની ગયો છે.


આવો રહ્યો પ્રથમ ટેસ્ટનો ત્રીજો દિવસ

ત્રીજા દિવસે રચિન રવિન્દ્રએ 34 બોલમાં 22 રનથી ઇનિંગ ચાલુ કરી હતી. એક છેડેથી વિકેટો પડતી રહી, પણ રવિન્દ્ર બીજા છેડે અડગ રહ્યો. ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી અને ટોમ બ્લંડેલે પણ બેંગલુરુ ટેસ્ટના પ્રારંભિક સત્રમાં તેમની વિકેટ ગુમાવી હતી. હાલ રચિન 104 રન બનાવીને રમી રહ્યો છે. તેને ટિમ સાઉદીનો સાથ મળ્યો, ત્રીજા દિવસે લંચ ટાઈમ સુધી તેણે 49 રન બનાવ્યા હતા અને રવિન્દ્ર સાથે તેની 112 રનની ભાગીદારી થઈ હતી. લંચ બ્રેક સુધીમાં ન્યુઝીલેન્ડે 299 રનની લીડ બનાવી લીધી છે.

12 વર્ષ પછી સદી આવી

રચિન રવિન્દ્ર 2012 પછી ભારતમાં ટેસ્ટ સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન પણ છે. 2012 માં, રોસ ટેલરે 113 રનની ઇનિંગ રમી હતી અને યોગાનુયોગ એ મેચ પણ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. રવિન્દ્રને આ મેદાન સાથે ખાસ લગાવ છે કારણ કે ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં તેણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ પાકિસ્તાન સામે 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

રવિન્દ્રએ વર્ષ 2021માં કાનપુરમાં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે તેની ટૂંકી ટેસ્ટ કારકિર્દીની 19 ઇનિંગ્સમાં 2 સદી ફટકારી છે. તેની પ્રથમ સદી આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે આવી હતી, જ્યારે તેણે 240 રન ફટકારીને શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેની ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધી 700 થી વધુ રન બનાવવા ઉપરાંત રવિન્દ્રએ 10 વિકેટ પણ લીધી છે.

  • Follow us on: