ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેચમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના કારણે પહેલા દિવસની રમત રદ્દ થયા બાદ ટીમ ઈન્ડિયા બીજા દિવસે પ્રથમ બેટિંગ કરતી વખતે માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે ભારતીય ટીમે ઘરની ધરતી પર ટેસ્ટમાં સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થવાનો શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.


જોકે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડના 402 રનના સ્કોરના જવાબમાં બીજી ઈનિંગમાં જોરદાર વાપસી કરી હતી. સરફરાઝ ખાનના 150 રન અને રિષભ પંતના 99 રનની મદદથી ટીમ ઈન્ડિયા તેની બીજી ઈનિંગમાં 462 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પહેલા ત્રીજા દિવસે રોહિત શર્માએ 52 રન અને વિરાટ કોહલીએ 70 રન બનાવ્યા હતા.

છેલ્લી 6 વિકેટ 29 રનમાં ગુમાવી

ચોથા દિવસે ભારતીય ટીમને શાનદાર શરૂઆત મળી હતી. પંત અને સરફરાઝે ચોથી વિકેટ માટે 177 રનની ભાગીદારી કરી હતી. જોકે, આ બંનેના આઉટ થયા બાદ આખી ટીમ પડી ભાંગી હતી. ન્યૂઝીલેન્ડે ભારતીય દાવની 80મી ઓવર પછી નવો બોલ લીધો, જે બાદ ટીમે 15.2 ઓવરમાં સાત બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ભારતે તેની છેલ્લી 6 વિકેટ 29 રનમાં ગુમાવી દીધી હતી. આ રીતે ભારતે 462 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

100 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ચોથા દિવસે ભારતીય ટીમે 462 રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો હતો. વાસ્તવમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 50 રન પણ બનાવી શકી ન હતી પરંતુ બીજી ઇનિંગમાં તેણે 450થી વધુ રન બનાવ્યા હતા. આ રીતે, ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ દાવમાં 50થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થયા બાદ બીજી ઈનિંગમાં સૌથી વધુ સ્કોર બનાવનારી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાનો 100 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. 1924માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 30 રનમાં ઓલઆઉટ થયા બાદ સાઉથ આફ્રિકાએ બીજી ઈનિંગમાં 390 રન બનાવ્યા હતા. હવે ભારતે સાઉથ આફ્રિકાના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

ટેસ્ટમાં પ્રથમ દાવમાં 50થી ઓછા રનમાં ઓલઆઉટ થયા બાદ બીજી ઇનિંગમાં સર્વોચ્ચ સ્કોર બનાવનારી ટીમો

  • 462 - ભારત વિ ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2024 (પ્રથમ દાવ: 46)
  • 390 - સાઉથ આફ્રિકા વિ ઈંગ્લેન્ડ, બર્મિંગહામ, 1924 (પ્રથમ દાવ: 30)
  • 275 - ન્યુઝીલેન્ડ વિ સાઉથ આફ્રિકા, કેપ ટાઉન, 2013 (પ્રથમ દાવ: 45)
  • 267 - પાકિસ્તાન વિ સાઉથ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2013 (પ્રથમ દાવ: 49)
  • 184 - ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, સિડની, 1887 (પ્રથમ દાવ: 45)

  • Follow us on: