ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. જ્યારે સિરીઝની બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. બાંગ્લાદેશ સામેની સીરીઝ ખતમ થયા બાદ ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સાથે 3 ટેસ્ટ મેચની સીરીઝ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી આ બંને સિરીઝ ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વપૂર્ણ છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોને એક સારા સમાચાર મળ્યા છે.
મુંબઈ ક્રિકેટ એસોસિએશને આપી ભેટ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને આ મેચને લઈને મોટો નિર્ણય લીધો છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને આ મેચ માટે ટિકિટના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. આનાથી પ્રશંસકોને મોટી રાહત મળશે અને તેઓ જૂના દરે જ મેચની ટિકિટ મેળવી શકશે.
2016માં કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ 2016માં ટેસ્ટ મેચની ટિકિટના ભાવમાં 25 ટકાનો વધારો કર્યો હતો. તે સમયે 100 રૂપિયાની સસ્તી ટિકિટ 125 રૂપિયા અને 300 રૂપિયાની ટિકિટ વધારીને 375 રૂપિયા કરવામાં આવી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ એક બેઠક યોજીને નિર્ણય લીધો કે આ વખતે પણ ટેસ્ટ મેચની ટિકિટના દરમાં વધારો કરવામાં નહીં આવે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજિંક્ય નાઈકે આ અંગે મીડિયાને માહિતી આપી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કોનું પલડું ભારે?
ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો અત્યાર સુધીમાં એકબીજા સામે 62 ટેસ્ટ મેચ રમી ચૂકી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 22 મેચ જીતી છે અને ન્યૂઝીલેન્ડે 13 મેચ જીતી છે. બંને ટીમોએ 27 મેચ ડ્રો રમી છે. જો મુંબઈના વાનખેડે સ્ટેડિયમની વાત કરીએ તો 2021માં ભારત-ન્યૂઝીલેન્ડની ટીમ આ મેદાન પર આમને-સામને હતી. ભારતે આ ટેસ્ટ મેચ 372 રને જીતી હતી. ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે આ મેચની એક ઇનિંગમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તે ટેસ્ટ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો બોલર બન્યો હતો.