- ઓસ્ટ્રેલિયાના CAEOએ ત્રિકોણીય સિરીઝનો પ્રસ્તાવ મૂક્યો
- હોકલીએ ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સિરીઝને આપ્યું સમર્થન
- ભારત-પાકિસ્તાન મેચના ઉત્સાહને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવ મૂક્યો
ભારત અને પાકિસ્તાનને ક્રિકેટમાં એકબીજાના કટ્ટર હરીફ ગણવામાં આવે છે. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2007માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારપછી બંને ટીમો ICC ટૂર્નામેન્ટમાં આમને-સામને આવી રહી છે, પરંતુ BCCI હંમેશા ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરે છે. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ નિક હોકલીએ ત્રિકોણીય સિરીઝનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં ભારત અને પાકિસ્તાનને પણ સામેલ કરવા જોઈએ. હોકલીએ ભારત-પાકિસ્તાન મેચના ઉત્સાહને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ મૂક્યો છે.
દ્વિપક્ષીય સિરીઝને આપ્યું સમર્થન
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના CAEOએ કહ્યું, "ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી કટ્ટર હરીફ છે. તેમની મેચોને લઈને લોકોમાં હંમેશા જબરદસ્ત ઉત્સાહ હોય છે. અમે બંને ટીમો વચ્ચે દ્વિપક્ષીય અને ત્રિકોણીય સિરીઝને પણ સમર્થન આપીએ છીએ." હોકલીએ એમ પણ કહ્યું કે આ પ્રસ્તાવને લાગુ કરવા માટે ભારત અને પાકિસ્તાન બંનેના ક્રિકેટ બોર્ડે સાથે મળીને કામ કરવું પડશે. બંને દેશોની સરકારોનું યોગદાન પણ મહત્વનું રહેશે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના આયોજનમાં મદદ કરવા તૈયાર રહેશે.
ICC પર લગાવ્યા આરોપ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે એક એવો મુદ્દો ઉઠાવ્યો છે જેને વાસ્તવિકતામાં ફેરવવામાં ઘણો સમય લાગી શકે છે. પરંતુ T20 વર્લ્ડકપ 2024માં ભારતની પાકિસ્તાન સામે 6 રને જીત બાદ મોટો મુદ્દો ઉભો થયો હતો. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે ICC પર આરોપ લગાવ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલાથી જ ફિક્સ કરવામાં આવે છે. તેણે એ પણ સ્વીકાર્યું કે આ મેચ આર્થિક આધારો પર નફાકારક સોદો છે, પરંતુ ભારત-પાકિસ્તાન મેચ અગાઉથી નક્કી કરવાથી ક્રિકેટની રમત તરીકેની ભાવનાને ઠેસ પહોંચે છે.