ન્યુઝીલેન્ડના હાથે ટેસ્ટ સિરીઝમાં મળેલી શરમજનક હારને ભૂલીને હવે ટી-20માં રંગ ઉમેરવાનો વારો છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા 4 મેચની T-20 સિરીઝમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવા માટે તેમના ઘરે પહોંચી ગઈ છે. સુકાની તરીકે સૂર્યાનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે અને તેના નેતૃત્વમાં યુવા ખેલાડીઓ આ સિરીઝમાં પોતાની છાપ છોડવા આતુર હશે. અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા ભારતની T-20 ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ડરબનમાં રમાવાની છે.
ભારતીય સમય અનુસાર રાત્રે રમાશે મેચ
ભારત-દક્ષિણ આફ્રિકા મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી રમાશે. સ્થાનિક સમય ઝોનની વાત કરીએ તો, તે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. સ્થાનિક સમય ઝોન દક્ષિણ આફ્રિકાનો ગણાશે, કારણ કે આ મેચ તે દેશમાં રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T20 સીરિઝ રમાવાની છે. તેની પ્રથમ મેચ શુક્રવારે ડરબનના કિંગ્સમીડ ખાતે રમાશે.
અહીં ફ્રિમાં જોઈ શકશો લાઈવ
ચાહકો ભારત-દક્ષિણ આફ્રિકા મેચ નિ:શુલ્ક જોઈ શકશે. પરંતુ આ માટે તમારે તમારા સ્માર્ટફોનમાં Jio એપ ડાઉનલોડ કરવી પડશે. ભારત-દક્ષિણ આફ્રિકા મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર થશે. આ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. દર્શકો ટીવી પર પણ મેચ જોઈ શકશે. તેનું જીવંત પ્રસારણ ટીવી ચેનલ સ્પોર્ટ્સ 18 પર થશે.
આ ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં મળ્યું સ્થાન
ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે અનુભવી ખેલાડીઓની સાથે સાથે યુવા ખેલાડીઓને તક આપી છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સંજુ સેમસન અને અર્શદીપ સિંહને ટીમમાં સ્થાન મળ્યું છે. તેની સાથે આવેશ ખાન, રવિ બિશ્નોઈ, વિજયકુમાર વ્યષ્ક, રમનદીપ સિંહ, અભિષેક શર્મા અને રિંકુ સિંહને પણ તક આપવામાં આવી છે.
ડરબનમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
ડરબનમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં કિંગ્સમીડ મેદાન પર કુલ 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાંથી ટીમે 3માં જીત મેળવી છે. એક મેચ ટાઈ રહી છે, જ્યારે એક મેચનું પરિણામ આવી શક્યું નથી. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની નજર જીત સાથે સિરીઝની શરૂઆત કરવા પર હશે. આ સાથે જ પ્રોટીઝ ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ભારત-દક્ષિણ આફ્રિકા T20 મેચ માટેની ટીમો
ભારત - સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર, આવેશ ખાન, યશ દયાલ, રિંકુ સિંહ
દક્ષિણ આફ્રિકા - એડન માર્કરામ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, ડેવિડ મિલર, માર્કો જેન્સન, પેટ્રિક ક્રુગર, ડોનોવન ફરેરા, હેનરિક ક્લાસેન, રેયાન રિકલ્ટન, ઓટનીએલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, મિહાલી મ્પોન્ગવાના, નાકાબાયોમઝી પીટર