ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ 4 દિવસ પહેલા એટલે કે 03 નવેમ્બરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે સાહાએ સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે આ તેની છેલ્લી રણજી સિઝન (2024-25) હશે, જેમાં તે બંગાળ માટે રમી રહ્યો છે. હવે સાહાએ જણાવ્યું કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સલાહ પર તેણે નિવૃત્તિનો નિર્ણય કેવી રીતે બદલ્યો હતો.


સાહાને સૌરવ ગાંગૂલીએ મનાવ્યો

તમને જણાવી દઈએ કે સાહા છેલ્લા બે વર્ષથી ત્રિપુરા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો હતો અને ગત સિઝનમાં ત્રિપુરા માટે રમ્યા બાદ તે સંન્યાસ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો. સાહાએ એક ઈન્ટરવ્યું ખુલાસો કર્યો હતો કે "હું આ વર્ષે રમ્યો ન હોત, પરંતુ સૌરવ ગાંગુલી અને મારી પત્નીએ મને ત્રિપુરા સાથે બે સિઝન પછી બંગાળ માટે રમવા અને તેમની સાથે સમાપ્ત કરવા પ્રેરણા આપી હતી."

સાહાએ બદલ્યો પોતાનો નિર્ણય

સાહા રમવા માટે સંમત થયો, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું કે તે માત્ર લાલ બોલના ફોર્મેટમાં જ સ્થાનિક ક્રિકેટમાં ભાગ લેશે. સાહાએ પોતાની શારીરિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને અને યુવા ખેલાડીઓને તક આપવાના આશયથી આ નિર્ણય લીધો હતો. સાહાએ ગુજરાત ટાઇટન્સને પણ જણાવ્યું હતું કે તે રણજી ટ્રોફી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે IPL નહીં રમે.

ઈડન ગાર્ડનમાં છેલ્લી મેચ રમવાની ઈચ્છા

સાહાએ કહ્યું કે જો બંગાળની ટીમ ક્વોલિફાય થશે તો તે અંત સુધી રમશે, નહીં તો ઈડન ગાર્ડનમાં તેની કારકિર્દીનો અંત આવશે.

રિદ્ધિમાન સાહાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

નોંધનીય છે કે રિદ્ધિમાન સાહાએ પોતાની કારકિર્દીમાં 40 ટેસ્ટ અને 09 વનડે રમી હતી. ટેસ્ટની 56 ઇનિંગ્સમાં તેણે 29.41ની એવરેજથી 1353 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે 3 સદી અને 6 અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 117 રન હતો. આ સિવાય તેણે ODIની પાંચ ઇનિંગ્સમાં 41 રન બનાવ્યા હતા.


  • Follow us on: