મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનોનો ફ્લોપ શો જોવા મળ્યો હતો, જ્યાં અડધી ટીમ માત્ર 64 રન બાદ પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ સમયે એવું લાગી રહ્યું હતું કે ટીમ સો રન પણ બનાવી શકશે નહીં. પરંતુ અહીં વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે ચાર્જ સંભાળ્યો અને 80 રનની જોરદાર ઇનિંગ રમી હતી.
ધુરેલે રમી શાનદાર ઈનિંગ
જુરેલની 186 બોલની ઇનિંગમાં 6 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. વિકેટના પતન વચ્ચે, તેણે પહેલા દેવદત્ત પડિકલ સાથે પાંચમી વિકેટ માટે 53 રન જોડ્યા જ્યારે તેણે નિતીશ કુમાર રેડ્ડી સાથે છઠ્ઠી વિકેટ માટે મૂલ્યવાન 39 રન ઉમેર્યા હતા. આ ભાગીદારીના આધારે ભારતીય ટીમ 150થી વધુનો સ્કોર કરવામાં સફળ રહી હતી.
ટીમ ઈન્ડિયાએ માત્ર ત્રણ ઓવરમાં 4 વિકેટ ગુમાવી
આ વિકેટકીપર બેટ્સમેન એવા સમયે ક્રિઝ પર આવ્યો જ્યારે ભારત A ટીમ ભારે મુશ્કેલીમાં હતી, જ્યાં ટીમે ત્રણ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોરબોર્ડ પર માત્ર 11 રન હતા. જુરેલે નંબર 10 બેટ્સમેન પ્રસિદ્ધ કૃષ્ણા સાથે 36 રન ઉમેર્યા જેથી ભારત Aનો સ્કોર 150 રનને પાર કરે. ભારત A ટીમ આખરે 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થનારી આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તૈયારીમાં 23 વર્ષીય ખેલાડીને ભારત A ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
પહેલા પણ પોતાની તાકાત બતાવી ચૂક્યો છે જુરેલ
જો આ આંતરરાષ્ટ્રીય મેચ હોત તો તે ચોક્કસપણે વિદેશમાં ભારતીય ખેલાડી દ્વારા રમાયેલી શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક માનવામાં આવી હોત. માત્ર આ ઇનિંગ્સ જ નહીં, પરંતુ તેણે પહેલેથી જ બતાવ્યું છે કે તેની પાસે એક ઉત્તમ ટેકનિક છે અને તે પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરી શકે છે. તેની કારકિર્દીની બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે હિંમતભરી ઇનિંગ રમી ત્યારે તેની બેટિંગ પ્રથમ ચર્ચામાં આવી હતી.
આ મેચમાં ભારતનો સ્કોર 161-5 હતો અને ત્યારબાદ ટીમ ઈંગ્લેન્ડ કરતા 192 રન પાછળ હતી. ટૂંક સમયમાં જ ટીમનો સ્કોર પણ 177-7 સુધી પહોંચી ગયો, પરંતુ અહીંથી જુરેલે પહેલા કુલદીપ યાદવ અને પછી આકાશ દીપ સાથે મળીને ટીમના સ્કોરને 300થી પાર કરી દીધો. આ રીતે એક સમયે મજબૂત લીડ તરફ આગળ વધી રહેલી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 46 રનની લીડ લઈ શકી હતી.