- રોહિત શર્માએ T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યુ
- રોહિત કેપ્ટન તરીકે પ્રથમ ICC ટાઈટલથી માત્ર એક જીત દૂર
- ભારત ત્રીજી વખત ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડકપ 2024માં કેપ્ટન અને બેટ્સમેન તરીકે ભાગ્યે જ કોઈ ભૂલ કરી છે. રોહિત શર્મા કેપ્ટન તરીકે પ્રથમ ICC ટાઈટલ જીતવાથી માત્ર એક જીત દૂર છે.
રોહિત સહિત વર્તમાન ભારતીય ટીમ મોટી મેચોના દબાણને સારી રીતે જાણે છે. તાજેતરના સમયમાં તેઓ સતત ત્રીજી વખત ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા છે. ભારત આ પહેલા WTC અને ODI વર્લ્ડની ફાઈનલ રમી ચૂક્યું છે. બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામેની શાનદાર જીત બાદ ભારત 2007 અને 2014 બાદ ત્રીજી વખત ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું છે.
બે T20 વર્લ્ડકપ રમી ચૂક્યો છે રોહિત શર્મા
રોહિત શર્મા અગાઉ ટી20 વર્લ્ડકપમાં પહોંચેલી ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. રોહિતે T20 વર્લ્ડકપ ફાઈનલની બે મેચમાં 140ની સ્ટ્રાઈક સાથે કુલ 59 રન બનાવ્યા છે. રોહિતે 2007ની ફાઇનલમાં પાકિસ્તાન સામે મહત્વની ઇનિંગ રમી હતી.
આ રોમાંચક મેચમાં રોહિત શર્માએ છેલ્લી ઓવરોમાં કેમિયો ઇનિંગ રમી અને 16 બોલમાં 30 રન બનાવ્યા. આ ઇનિંગની મદદથી ભારત 157ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું અને પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
શ્રીલંકા સામે 29 રન બનાવ્યા
T20 વર્લ્ડકપ 2014ની ફાઇનલમાં, રોહિત શર્માએ શ્રીલંકા સામે 26 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી. ઢાકામાં રમાયેલી આ મેચમાં ભારત માત્ર 130 રન બનાવી શક્યું હતું અને 6 વિકેટથી મેચ હારી ગયું હતું. વર્તમાન T20 વર્લ્ડકપમાં ભારત તરફથી રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રોહિતે અત્યાર સુધી 7 મેચમાં 155.97ની સ્ટ્રાઈક રેટથી 248 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે.