- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો
- ભારતે બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું
- BCCIએ શાનદાર જીત બાદ ઉજવણીનો વીડિયો શેર કર્યો
કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી હતી. ભારતીય ટીમની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. આથી શ્રેણી 1-1થી બરાબરી પર સમાપ્ત થઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાની જીત બાદનો માહોલ બતાવવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓએ ડીન એલ્ગરને જર્સી ભેટમાં આપી હતી. વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા.
BCCIએ ડ્રેસિંગ રૂમનો વીડિયો શેર કર્યો
વાસ્તવમાં BCCIએ X પર એક વીડિયો શેર કર્યો છે. આમાં ટીમ ઈન્ડિયાની જીતની ક્ષણ બતાવવામાં આવી છે. વીડિયોની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાનો ડ્રેસિંગ રૂમ બતાવવામાં આવ્યો છે. જેમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ સેલિબ્રેશન કરતા જોવા મળે છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાના ખેલાડી એલ્ગરને જર્સી ભેટમાં આપી હતી. આના પર તમામ ખેલાડીઓએ ઓટોગ્રાફ આપ્યા હતા. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ ખાસ અંદાજમાં જોવા મળ્યો હતો. રોહિત શર્મા અને ડીન એલ્ગરે ટ્રોફી શેર કરી.
મેચની સ્થિતિ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની 7 વિકેટે જીત થઈ છે. આ મેચમાં આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકા પ્રથમ દાવમાં માત્ર 55 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. જ્યારે ભારતે પ્રથમ દાવમાં 153 રન બનાવીને 98 રનની લીડ મેળવી હતી. સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં 176 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીત માટે માત્ર 80 રનનો ટાર્ગેટ મળ્યો. આ મેચમાં સાઉથ આફ્રિકા તરફથી બીજી ઈનિંગમાં ઓપનર એડન માર્કરમે 103 બોલમાં 17 ફોર અને 2 સિકસરની મદદથી 106 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ભારતે બીજા દાવમાં 3 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. આ મેચ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મોહમ્મદ સિરાજને આપવામાં આવ્યો હતો. જ્યારે જસપ્રીત બુમરાહ અને ડીન એલ્ગરને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યા હતા.