- આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- કોહલીએ વર્લ્ડકપમાં 1500 રન પૂરા કર્યા
- વર્લ્ડકપમાં 1500 રન પૂરા કરનાર વિરાટ ચોથો બેટ્સમેન
વર્લ્ડકપ 2023ની 37મી મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઇ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગ બેટિંગ કરવા આવેલા રોહિત શર્માએ આવતાની સાથે જ શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિતે 24 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતની વિકેટ પડ્યા બાદ બર્થડે બોય વિરાટ કોહલી બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો.
વિરાટ કોહલીએ વિશેષ સિદ્ધી હાંસલ કરી
વિરાટ કોહલીએ સૌપ્રથમ શુભમન ગિલ સાથે ઈનિંગ્સને આગળ ધપાવી અને શુભમન અને વિરાટ વચ્ચે 31 રનની ભાગીદારી થઈ હતી. શુભમન ગિલ 23 રન બનાવીને કેશવ મહારાજનો શિકાર બન્યો હતો. પરંતુ બીજા છેડે વિરાટ કોહલીએ પોતાની ઇનિંગ્સને આગળ ધપાવી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે તેની વર્લ્ડકપ કારકિર્દીમાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલીએ વર્લ્ડકપમાં પોતાના 1500 રન પૂરા કર્યા છે અને તે આવું કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા 1500 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. સચિન તેંડુલકરના નામે 45 મેચમાં 2278 રન, રિકી પોન્ટિંગના નામે 46 મેચમાં 1743 રન અને કુમાર સંગાકારાના નામે 37 મેચમાં 1532 રન છે. આ સાથે સિચન તેંડુલકર બાદ આ કારનામું કરનાર બીજો ભારતીય બની ગયો છે.
વિરાટનું વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન
આ વર્લ્ડકપ વિરાટ કોહલી માટે શાનદાર ચાલી રહ્યો છે, તેણે અત્યાર સુધીમાં 500ની નજીક રન બનાવ્યા છે અને આ પહેલો વર્લ્ડકપ હશે, જ્યાં તે પોતાની કારકિર્દીમાં 500થી વધુ રન બનાવી શકશે. વિરાટે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 1 સદી અને 4 ફિફટી ફટકારી છે અને એવી અપેક્ષા છે કે તે આજે તેના જન્મદિવસના અવસર પર વધુ એક સદી ફટકારશે. જો વિરાટ કોહલી આજે તેની સદી પૂરી કરી લેશે તો તે સચિન તેંડુલકરની ODI ક્રિકેટમાં સૌથી વધુ 49 સદીની બરાબરી કરશે.