• રવિ બિશ્નોઈનું શ્રીલંકા સામેની બીજી T20 શાનદાર પ્રદર્શન
  • 4 ઓવરના સ્પેલમાં 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી
  • બિશ્નોઈને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો

ભારતના લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈએ શ્રીલંકા સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચાર ઓવરના સ્પેલમાં 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બિશ્નોઈને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બિશ્નોઈએ ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરના વખાણ કર્યા છે. તેણે ગંભીર સાથેના તેના બોન્ડિંગ પર ખુલીને વાત કરી. કોચ તરીકે ગંભીરની આ પ્રથમ સિરીઝ છે. બિશ્નોઈએ કેપ્ટન સૂર્યકુમાર યાદવની પણ પ્રશંસા કરી હતી.

ગંભીર સાથે મારું ખૂબ જ સારું બોન્ડિંગ

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં બિશ્નોઈએ કહ્યું, “ગૌતમ ગંભીર સાથે મારું ખૂબ જ સારું બોન્ડિંગ છે કારણ કે તે બે વર્ષથી લખનૌ સુપર જાયન્ટ્સ સાથે રહ્યા છે. તેમણે મને કંઈપણ બદલવાની સલાહ આપી નથી. તેમણે મને કહ્યું છે કે હું અત્યારે જે કરી રહ્યો છું તે કરો. તેમની સલાહ મારા માટે પહેલા પણ ઉપયોગી હતી અને હજુ પણ મારા માટે ઉપયોગી છે. ગૌતમ ગંભીર 2022 અને 2023માં આઈપીએલમાં LSGનો મેન્ટર હતો, જ્યારે બિશ્નોઈ LSG ટીમનો એક ભાગ છે.

શુભમન ગિલની કેપ્ટન્સી પણ સારી છે

લેગ સ્પિનરે આગળ કહ્યું, “સૂર્યકુમાર શાનદાર કેપ્ટનશિપ કરી રહ્યો છે. હું ઓસ્ટ્રેલિયા સિરીઝ દરમિયાન પણ તેના નેતૃત્વમાં રમ્યો છું. તે અદ્ભુત રહ્યો છે. શુભમન ગિલની કેપ્ટન્સી પણ સારી હતી. તેણે ઝિમ્બાબ્વેમાં કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ હંમેશા મને સપોર્ટ કરે છે. જ્યારે કેપ્ટન તમને સપોર્ટ કરે છે, ત્યારે તમે તેનાથી વધુ કંઈપણ માંગી શકતા નથી. સૂર્યકુમાર અને શુભમન બંનેએ મને સપોર્ટ કર્યો છે."

બીજી T20 મેચની સ્થિતિ

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી T20 વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી. શ્રીલંકાએ 161/9નો સ્કોર કર્યો હતો. જો કે, જ્યારે ભારતીય દાવની શરૂઆત થઈ ત્યારે પ્રથમ ઓવરમાં વરસાદે વિક્ષેપ પાડ્યો હતો. આવી સ્થિતિમાં ઓવરો ઓછી કરવામાં આવી હતી. ભારતને 8 ઓવરમાં 78 રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે આ લક્ષ્યાંક 6.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતે આ મેચ સાત વિકેટે જીતીને સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી.

  • Follow us on: