• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ટી20 ક્રિકેટ સિરીઝ 27 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે
  • આ સિરીઝ બાદ ભારતીય ટીમ 2 ઓગસ્ટથી શ્રીલંકા સામે 3 વનડે મેચોની સિરીઝ પણ રમશે
  • ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝમાં ઘણા રેકોર્ડ બનાવી શકે છે

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 ક્રિકેટ સિરીઝ પછી, 3 મેચની વનડે ક્રિકેટ સિરીઝ રમાશે. આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ રોહિત શર્મા કરશે. રોહિત શર્મા પાસે આ સિરીઝમાં ઈતિહાસ રચવાની તક હશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝમાં એવા કેટલાક બેટ્સમેનોમાં સામેલ થઈ શકે છે જેમણે શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવ્યા છે.

આ બાબતમાં નંબર-1 બનશે

જો ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા શ્રીલંકા સામેની 3 વનડે સિરીઝમાં 3 સિક્સર ફટકારે છે તો તે આંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની જશે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે અત્યાર સુધી કુલ 231 સિક્સર ફટકારી છે, જ્યારે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન આ મામલે પહેલા સ્થાને છે. ઈયોન મોર્ગને કેપ્ટન તરીકે કુલ 233 સિક્સર ફટકારી હતી. રોહિત શર્મા આ સિરીઝમાં 3 છગ્ગા ફટકારીને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનનો રેકોર્ડ તોડશે. આ મામલે ત્રીજા સ્થાને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે, જેણે કેપ્ટન તરીકે 211 સિક્સર ફટકારી છે.

ક્રિસ ગેલને પાછળ છોડીને બનશે નંબર-2

જો ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝમાં 9 સિક્સર ફટકારે છે તો તે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર દુનિયાનો બીજો બેટ્સમેન બની જશે. રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 323 સિક્સર ફટકારી છે. વધુ 9 સિક્સર ફટકાર્યા બાદ તે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલના 331 સિક્સરના રેકોર્ડને પાછળ છોડી દેશે. વનડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાની બેટ્સમેન શાહિદ આફ્રિદીના નામે છે. શાહિદ આફ્રિદીએ વનડે ક્રિકેટમાં કુલ 351 સિક્સર ફટકારી છે.

6 ચોગ્ગા ફટકાર્યા બાદ આ ક્લબમાં થશે સામેલ

જો રોહિત શર્મા શ્રીલંકા સામેની વનડે ક્રિકેટ સિરીઝમાં 6 ચોગ્ગા ફટકારે છે, તો તે એવા કેટલાક બેટ્સમેનોમાં સામેલ થઈ જશે જેણે પોતાના વનડે કરિયરમાં 1000 ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્માએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 262 વનડે મેચ રમી છે, જેમાં તેને 994 ચોગ્ગા ફટકાર્યા છે. વનડે મેચોમાં સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના નામે છે. સચિને તેના વનડે કરિયરમાં કુલ 2026 ચોગ્ગા ફટકાર્યા છે. આ મામલે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી સનથ જયસૂર્યા બીજા સ્થાને છે, જેણે 1500 ચોગ્ગા ફટકાર્યા છે. ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરમાં 1294 ચોગ્ગા ફટકાર્યા છે. જે આ સિરીઝમાં 6 ચોગ્ગા ફટકારીને તે 1300 ચોગ્ગાનો આંકડો પણ સ્પર્શી શકે છે.

 

બે હજાર રન બનવાથી 136 રન દૂર

જો રોહિત શર્મા શ્રીલંકા સામેની સિરીઝમાં 136 રન બનાવી લે છે, તો તે શ્રીલંકા સામેની વનડે ક્રિકેટમાં 2 હજારથી વધુ રન બનાવનારા થોડાક બેટ્સમેનોમાં સામેલ થશે. રોહિત શર્માએ શ્રીલંકા સામે અત્યાર સુધી કુલ 52 મેચ રમી છે, જેમાં તેણે 1864 રન બનાવ્યા છે. વનડે સિરીઝમાં 136 રન કરીને તે શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં 2000 રન બનાવનાર વિશ્વનો છઠ્ઠો ખેલાડી બની જશે.

 

334 રન બનાવીને ઈતિહાસ રચશે રોહિત શર્મા

જો ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા શ્રીલંકા સામેની 3 મેચની વનડે સિરીઝમાં 334 રન બનાવી લે છે તો તે શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો પાંચમો બેટ્સમેન બની જશે. જો તે રન બનાવશે તો પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી સઈદ અનવરને પાછળ છોડી દેશે. સઈદ અનવરે શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં 2198 રન બનાવ્યા છે. શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને શ્રીલંકા સામે 84 વનડે મેચ રમી છે જેમાં તેને 3113 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 53 મેચમાં 2594 રન બનાવીને શ્રીલંકા સામે વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન છે. આ લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોની 2383 રન સાથે ત્રીજા સ્થાને છે અને પાકિસ્તાનનો ઈન્ઝમામ ઉલ હક 2265 રન સાથે ચોથા સ્થાન પર છે.

  • Follow us on: