- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ
- આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની T20 અને ODI ટીમોની જાહેરાત
- ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ODI ટીમમાં ના મળ્યું સ્થાન
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ 27 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની T20 અને ODI ટીમોની જાહેરાત કરવામાં આવી છે. ટીમની જાહેરાત બાદ જ ટીમ સિલેક્શનને લઈને વિવાદ વધી રહ્યો છે. ટીમની પસંદગી પર ઘણા પૂર્વ ખેલાડીઓએ સવાલો ઉઠાવ્યા છે,
જેમાં તેમણે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમમાંથી બહાર રાખવા પર પણ નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન રવિન્દ્ર જાડેજાનું ભવિષ્ય શું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. શું તેને માત્ર ટેસ્ટ ટીમમાં જ સામેલ કરવામાં આવશે? એક રિપોર્ટ અનુસાર રવિન્દ્ર જાડેજાની ટીમમાં પસંદગી ન થવા પાછળ બે મુખ્ય કારણો હતા.
અક્ષર પટેલની થશે કસોટી
એક મીડિયા રિપોર્ટ અનુસાર, બોર્ડ રવીન્દ્ર જાડેજાના વિકલ્પ તરીકે અક્ષર પટેલનું પરીક્ષણ કરવા માંગે છે. પસંદગીકારોએ રવીન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યો છે જેથી તે ચકાસી શકે કે અક્ષર પટેલ T20 અને ODI મેચોમાં કેટલી ક્ષમતા બતાવી શકે છે. આ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રવિન્દ્ર જાડેજા હજુ પણ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે પસંદગીકારોની પ્રથમ પસંદગી છે. આવતા વર્ષે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી સુધી રવિન્દ્ર જાડેજાને ટીમમાં જાળવી રાખવામાં આવશે. પસંદગીકારો અત્યારે રવીન્દ્ર જાડેજાને પડતો મૂકવાનું વિચારી રહ્યા નથી. જો કે તે પછી અક્ષર પટેલની કસોટી કરવાની તૈયારી ચાલી રહી છે કે તે રવીન્દ્ર જાડેજાના સ્થાને કેટલો યોગ્ય સાબિત થઈ શકે છે.
આ ટુર્નામેન્ટ માટે આરામ આપવામાં આવ્યો
આ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. આ પહેલા ટીમ ઈન્ડિયા 6 ODI મેચ રમશે. 3 મેચ શ્રીલંકા સામે અને 3 મેચ ઈંગ્લેન્ડ સામે રમાશે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગીકારોની સમિતિ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિન્દ્ર જાડેજાને પ્રથમ પસંદગી તરીકે જોઈ રહી છે. તેથી શ્રીલંકા સામેની સિરીઝમાં જાડેજાને આરામ આપવામાં આવ્યો છે.
જેથી તેને સપ્ટેમ્બર 2023 થી જાન્યુઆરી 2024 વચ્ચે રમાનારી 10 ટેસ્ટ મેચો અને ફેબ્રુઆરીમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફ્રેશ રાખી શકાય. ભારતીય ટીમ સપ્ટેમ્બરથી જાન્યુઆરી વચ્ચે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે 5 ટેસ્ટ મેચ અને ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચ રમશે.