- ભારતે ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું
- ટીમ ઈન્ડિયાએ પહેલા જ બોલ પર શાનદાર જીત નોંધાવી
- આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો ચમત્કાર
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે પલ્લેકેલેમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. આ રોમાંચક મેચ ઘણી રીતે ખાસ હતી. T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહ પ્રથમ વખત બોલિંગ કરવા આવ્યા હતા અને બંનેએ બે-બે વિકેટ લીધી હતી. આ પછી મેચ સુપર ઓવરમાં ગઈ અને ભારતીય ટીમે જીત મેળવીહતી.
આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને T20 સિરીઝમાં 3-0થી હરાવ્યું. આ સિરીઝમાં જીત બાદ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપના વખાણ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ એવા સમયે એક મોટી ભૂલ કરી, જેના કારણે ભારતને નુકસાન સહન કરવું પડ્યું હોત, પરંતુ સૂર્યાની બુદ્ધિમત્તાએ મેચની દિશા બદલી નાખી હતી.
ટીમ ઈન્ડિયાએ કઈ ભૂલ કરી?
રિંકુ સિંહે 19મી ઓવર નાખ્યા બાદ અમ્પાયરે ટીમ ઈન્ડિયા પર સ્લો ઓવર રેટની પેનલ્ટી લગાવી હતી. ભારતીય ટીમ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરી શકી નહોતી. જેના કારણે ટીમને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. સજા તરીકે અમ્પાયરે ભારતીય ટીમના માત્ર 4 ખેલાડીઓને 30 મીટરના વર્તુળની બહાર રહેવાની મંજૂરી આપી હતી. તેનો અર્થ એ કે પાંચને બદલે માત્ર ચાર ખેલાડીઓ વર્તુળની બહાર રહી શક્યા હતા.
સૂર્યકુમાર યાદવે કર્યો ચમત્કાર
આ નિર્ણય ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન પહોંચાડી શક્યો હોત, પરંતુ સૂર્યકુમાર યાદવની ડહાપણથી મેચ શ્રીલંકાના જડબામાંથી છીનવી લીધી હતી. તેણે એવી ફિલ્ડિંગ કરી કે બીજા બોલ પર કામિન્દુ મેન્ડિસ પેવેલિયન પરત ફર્યો હતો. મેન્ડિસે રિવર્સ સ્વીપ કરીને બોલને સ્ક્વેરની ઉપરની બાઉન્ડ્રી ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અહીં ઊભેલા ફિલ્ડર રિંકુ સિંહે શાનદાર કેચ લઈને તેને પેવેલિયન મોકલી દીધો હતો. આ રીતે સૂર્યાએ બે બોલમાં બે વિકેટ લઈને ચમત્કાર કર્યો હતો. શ્રીલંકાના બેટ્સમેનો આગામી ત્રણ બોલમાં 5 રન બનાવી શક્યા હતા. જેના કારણે મેચ ટાઈ થઈ અને સુપર ઓવરમાં પહોંચી ગઈ હતી.