- શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ 2 ઓગસ્ટે રમાશે
- વિરાટ કોહલી પાસે આ મેચમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે
- ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ કોહલી પહેલી વખત કોઈ મેચમાં જોવા મળશે
ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા વનડે ક્રિકેટમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ બંને દિગ્ગજ શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં રમતા જોવા મળશે. ગૌતમ ગંભીરની કોચ તરીકે નિમણૂક કર્યા બાદ પહેલી વખત આ દિગ્ગજ ખેલાડીઓ મેચમાં જોવા મળશે. આ સિરીઝમાં વિરાટ કોહલી પાસે રેકોર્ડ બનાવવાની તક છે, જે ઘણા એક્ટિવ ખેલાડીઓ માટે સપનાથી ઓછું નથી.
કોહલી બનાવી શકે છે 'વિરાટ' રેકોર્ડ
વિરાટ કોહલીએ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેના ડેબ્યૂ બાદ તેને અત્યાર સુધીમાં કુલ 530 મેચ રમી છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે, ટી20)માં તેને 53.55ની સરેરાશથી 26,884 રન બનાવ્યા છે. જો વિરાટ શ્રીલંકા સામેની આગામી વનડે સિરીઝમાં 116 રન બનાવી લે છે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન બનાવનાર ચોથો બેટ્સમેન બની જશે. અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકર (34357), કુમાર સંગાકારા (28016) અને રિકી પોન્ટિંગ (27483) જ આ આંકડાને પાર કરી ચૂક્યા છે.
વિરાટ કોહલી સૌથી આગળ
જો આપણે એક્ટિવ ખેલાડીઓની વાત કરીએ તો વિરાટ કોહલી સિવાય એવો કોઈ બેટ્સમેન નથી, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પણ બનાવ્યા હોય. આ લિસ્ટમાં વિરાટ કોહલી પછી જો રૂટ (19,355) છે. જ્યારે ત્રીજા સ્થાને રોહિત શર્મા (19,077) છે. આ બંને ખેલાડીઓ માટે 27000 રનના આંકડાને પાર કરવો સરળ નથી.
વિરાટ કોહલી-રોહિત શર્મા પહોંચ્યા શ્રીલંકા
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી 2 ઓગસ્ટથી શરૂ થનારી ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની સિરીઝ માટે શ્રીલંકા પહોંચી ગયા છે. આ સિરીઝમાં ભાગ લેનાર અન્ય ખેલાડીઓ પણ કોલંબો પહોંચી ગયા છે. આ તમામ ખેલાડીઓ કોલંબોમાં આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરશે.