- ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
- ODI અને T20 બંને સિરીઝમાં 2 અલગ-અલગ કેપ્ટન બનાવાયા
- રોહિત અને વિરાટ વનડે સિરીઝમાં કરી રહ્યા છે વાપસી
ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાને ODI અને T20 બંને સિરીઝમાં 2 અલગ-અલગ કેપ્ટન મળ્યા છે. રોહિત શર્મા ઓડીઆઈમાં કેપ્ટનશીપ કરતો જોવા મળશે, જ્યારે સૂર્યકુમાર યાદવ ટી-20 સીરીઝમાં કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ સિવાય વિરાટ કોહલી વનડે સિરીઝમાં વાપસી કરી રહ્યો છે.
કોહલીએ T20માંથી લીધો સંન્યાસ
T20 વર્લ્ડકપ 2024 બાદ કોહલીએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યારબાદ કોહલી પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા લંડન ગયો હતો. શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થાય તે પહેલા કોહલી પ્રવાસમાંથી બહાર થઈ જશે તેવા અહેવાલો સામે આવી રહ્યા હતા.
શું કોહલીએ ગંભીર માટે લીધો આ નિર્ણય?
ટીમની જાહેરાત થાય તે પહેલા એવા અહેવાલો હતા કે કોહલીને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવશે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઈચ્છતા ન હતા કે સિનિયર ખેલાડીઓ વનડે સિરીઝમાંથી બહાર રહે. અહેવાલો અનુસાર, ગૌતમ ગંભીરે વિરાટને વનડે સિરીઝમાં રમવા માટે વિનંતી કરી હતી. જે બાદ કોહલીએ BCCIને કહ્યું કે ગૌતમ ગંભીરની વિનંતી બાદ તે શ્રીલંકા સામે વનડે સીરીઝ રમશે, કારણ કે મુખ્ય કોચ તરીકે ગંભીરનો આ પહેલો પ્રવાસ છે.
ગંભીર પોતાનો કાર્યકાળ શરૂ કરશે
BCCIએ પહેલા જ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરી દીધા છે. હવે કોચ તરીકે ગંભીરની આ પ્રથમ સિરીઝ બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ગંભીર બંને સિરીઝ જીતીને પોતાના કાર્યકાળની શરૂઆત કરવા માંગશે. ગૌતમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે શ્રીલંકા સાથેની ODI સિરીઝથી તૈયારી શરૂ કરવા જઈ રહ્યો છે, તેથી ગંભીર ઈચ્છતો હતો કે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને એક પણ ODI મેચમાંથી બહાર ન રાખવામાં આવે.