• વીરેન્દ્ર સેહવાગે 8 ડિસેમ્બર 2011ના દિવસે રચ્યો હતો ઈતિહાસ
  • વીરેન્દ્ર સેહવાગે 49 બોલનો સામનો કરીને 219 રન બનાવ્યા હતા
  • સહેવાગ વનડેમાં એક મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા કેપ્ટન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા. તેણે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ આમાંથી કેટલીક ઇનિંગ્સ સેહવાગની સાથે-સાથે ફેન્સ માટે પણ ખાસ હતી. ODI ક્રિકેટની એક મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા કેપ્ટનોની યાદીમાં સેહવાગ નંબર વન પર છે અને તેનો રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. સેહવાગે 2011માં આજના દિવસે (8મી ડિસેમ્બર) આ સિદ્ધિ મેળવી હતી.

સેહવાગે બેવડી સદી ફટકારી

વાસ્તવમાં વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ દરમિયાન ઈન્દોરમાં વનડે શ્રેણીની ચોથી મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે વેસ્ટ ઈન્ડિઝને પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 418 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન સેહવાગ અને ગૌતમ ગંભીર ઓપનિંગ કરવા આવ્યા હતા. ગંભીર 67 બોલમાં 67 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ સેહવાગ અડગ રહ્યો. તેણે 149 બોલનો સામનો કરીને 219 રન બનાવ્યા હતા. સેહવાગની આ ઇનિંગમાં 25 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.

સહેવાગે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

સેહવાગની આ ઈનિંગે ઈન્દોરમાં હલચલ મચાવી દીધી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો હતો. સેહવાગ ભારત માટે વનડે મેચમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન છે. તેનો આ રેકોર્ડ હજુ તૂટ્યો નથી. આ મામલે રોહિત શર્મા બીજા નંબર પર છે. રોહિતે શ્રીલંકા સામે અણનમ 208 રન બનાવ્યા હતા.સચિન તેંડુલકર ત્રીજા નંબર પર છે. સચિને ન્યૂઝીલેન્ડ સામે અણનમ 186 રન બનાવ્યા હતા.

ભારતે વેસ્ટ ઈન્ડિઝને 153 રનથી હરાવ્યું

ઉલ્લેખનીય છે કે ઈન્દોરમાં રમાયેલી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 153 રનથી હરાવ્યું હતું. આ મેચમાં સુરેશ રૈનાએ પણ ફિફટી ફટકારી હતી. તેણે 44 બોલનો સામનો કરીને 55 રન બનાવ્યા હતા. રૈનાની આ ઇનિંગમાં 6 ચોગ્ગા સામેલ હતા. ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 265 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. રાહુલ શર્માને પણ ત્રણ વિકેટ મળી હતી.


  • Follow us on: