• ભારતે ચોથી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું
  • ભારતે 5 મેચની સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી
  • T20 ક્રિકેટના ઈતિહાસમાં ભારતે બીજીવાર કર્યું આ કારનામું

ભારતે ચોથી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતે 5 મેચની સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઝિમ્બાબ્વેના બોલરો ટીમ ઈન્ડિયાની ઓપનિંગ ભાગીદારીને તોડી શક્યા ન હતા. એક તરફ યશસ્વી જયસ્વાલે 53 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી તો બીજી તરફ કેપ્ટન શુભમન ગિલે પણ 39 બોલમાં 58 રનનું મહત્વનું યોગદાન આપ્યું. પહેલા રમતા ઝિમ્બાબ્વેએ સ્કોરબોર્ડ પર 152 રન બનાવ્યા હતા અને ભારતે 28 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યજમાન ટીમ તરફથી સિકંદર રઝાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. જ્યારે છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે ટીમ માટે મોટી ઇનિંગ રમનાર ડીયોન માયર્સ આ વખતે માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. જવાબમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે લક્ષ્યનો પીછો કર્યો અને પ્રથમ 10 ઓવરમાં ટીમનો સ્કોર 106 રન સુધી પહોંચાડ્યો. અહીંથી ટીમને છેલ્લા 60 બોલમાં માત્ર 47 રન બનાવવાના હતા. અહીંથી ટીમ ઈન્ડિયા માટે જીત ખૂબ જ સરળ બની ગઈ.

જયસ્વાલ અને ગિલની શાનદાર બેટિંગ

યશસ્વી જયસ્વાલે પ્રથમ ઓવરથી જ તોફાની બેટિંગ શરૂ કરી હતી. જયસ્વાલે માત્ર 29 બોલમાં પોતાની અર્ધી સદી પૂરી કરી હતી, પરંતુ ઓછા રનનો પીછો કરવાને કારણે તે પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો. બીજી તરફ ગિલે 35 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જયસ્વાલે 13 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 53 બોલમાં 93 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ગિલે 39 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી અને 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. અંતે 16મી ઓવરના બીજા બોલ પર જયસ્વાલે ચોગ્ગાના રૂપમાં ટીમ ઈન્ડિયા માટે વિનિંગ શોટ ફટકાર્યો હતો.

ભારતે બીજી વખત 10 વિકેટે મેચ જીતી

T20 ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ઘણી ટીમોએ 10 વિકેટે લક્ષ્ય હાંસલ કર્યું છે. વર્ષ 2016માં ભારતે પહેલીવાર આવું કર્યું હતું અને ત્યારે પણ તેનો સામનો માત્ર ઝિમ્બાબ્વે સામે જ હતો. તે મેચ પણ હરારેમાં રમાઈ હતી અને ઝિમ્બાબ્વેએ પહેલા રમતા 99 રન બનાવ્યા હતા. જવાબમાં કેએલ રાહુલ અને મનદીપ સિંહની ઓપનિંગ જોડીએ ભારતને 10 વિકેટે જીત અપાવી હતી. તે મેચમાં મનદીપે 40 બોલમાં 52 રન અને રાહુલે 40 બોલમાં 47 રન ફટકારીને ટીમ ઈન્ડિયાનો 10 વિકેટે વિજય સુનિશ્ચિત કર્યો હતો. હવે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની જોડીએ ભારતને બીજી વખત T20 મેચમાં 10 વિકેટથી જીત અપાવી છે.

  • Follow us on: