• ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝ
  • ઝિમ્બાબ્વે સામે ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય
  • ઝિમ્બાબ્વેએ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી

ભારતીય ટીમ નવા કેપ્ટન સાથે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ જીતીને યજમાન ઝિમ્બાબ્વેએ 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ સિરીઝ માટે શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ હારી હતી, આ મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ઘણી ખરાબ રહી હતી. આ પછી ટીમ ઈન્ડિયાની ખરાબ બેટિંગ જોઈને ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા.

ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો

યુવા ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં રમી રહી છે. પ્રથમ મેચમાં અભિષેક શર્મા, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ જેવા યુવા ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા માટે T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ પોતાની ડેબ્યૂ મેચમાં આ ખેલાડીઓએ ટીમ અને પ્રશંસકોને નિરાશ કર્યા હતા. આ મેચમાં અભિષેક શર્મા પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.

આ સિવાય રિયાન પરાગ અને ધ્રુવ જુરેલે 6 રન બનાવ્યા હતા. IPL 2024માં આ ખેલાડીઓએ ઘણો ધૂમ મચાવી હતી પરંતુ ઈન્ટરનેશનલ લેવલ પર આવ્યા બાદ આ ખેલાડીઓ પોતાની ડેબ્યૂ મેચમાં જ ફ્લોપ સાબિત થયા હતા. આવી ખરાબ બેટિંગ જોઈને હવે ફેન્સ પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. આ ખેલાડીઓ હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. યુઝર્સ વિવિધ પ્રકારની પોસ્ટ શેર કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાનો 13 રને પરાજય થયો હતો

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ કરતી વખતે રવિ બિશ્નોઈએ સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ ઝડપી હતી. ઝિમ્બાબ્વેનો આટલો ઓછો સ્કોર જોઈને લાગતું હતું કે ટીમ ઈન્ડિયા આ ટાર્ગેટ આસાનીથી હાંસલ કરશે, પરંતુ ઝિમ્બાબ્વેની ખતરનાક બોલિંગ લાઈનઅપ સામે ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ સાબિત થઈ. ટીમ ઈન્ડિયા 19.5 ઓવરમાં માત્ર 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 31 રનની ઇનિંગ રમી હતી.

  • Follow us on: