• આજે એમએસ ધોની 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
  • ધોનીએ વર્ષ 2004માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું
  • ધોનીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ટીમ ઈન્ડિયાના મહાન પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ધોનીને કોઈ પરિચયની જરૂર નથી, વિકેટ કીપિંગથી લઈને કેપ્ટન્સી સુધી અને મેચ ફિનિશ કરવાની કળા દરેક ખેલાડીમાં જોવા મળતી નથી. એ જમાનામાં એક કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાની જરૂર હતી તે બધું ધોની પાસે હતું. આખી દુનિયામાં ધોનીની કેપ્ટનશીપની ચર્ચા હતી, વિપક્ષી ટીમોના ખેલાડીઓ પણ ધોનીની કેપ્ટનશીપના વખાણ કરતા હતા.

વર્ષ 2020માં ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. તેના આ નિર્ણયે કરોડો ચાહકોના દિલ તોડી નાખ્યા હતા, પરંતુ તે થવું નિશ્ચિત હતું. ધોની ટીમ ઈન્ડિયા માટે રમ્યો ત્યાં સુધીમાં તેણે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયાને એક અલગ જ સ્તર પર લઈ ગયા હતા.

ધોનીના આ રેકોર્ડ આજ સુધી તૂટ્યા નથી

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરમાં કેટલાક એવા રેકોર્ડ બનાવ્યા છે જેને આજ સુધી કોઈ ખેલાડી તોડી શક્યો નથી. એક ઇનિંગ્સમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધોનીના નામે છે, જે આજ સુધી તૂટ્યો નથી. એક ઇનિંગ્સમાં સૌથી વધુ સ્ટમ્પિંગ, વનડે ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ વિકેટ, ઇનિંગમાં સૌથી વધુ કેચ, સૌથી વધુ સ્ટમ્પિંગ, કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ.

3 ICC ટ્રોફી

એમએસ ધોનીએ વર્ષ 2004માં ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ધોનીએ શરૂઆતથી જ સર્વશ્રેષ્ઠ ફિનિશર તરીકે પોતાની ભૂમિકા ભજવી હતી. ધોની ભારતીય ટીમના એકમાત્ર એવા સુકાની રહ્યા છે જેમના નેતૃત્વમાં ટીમે 3 ICC ટ્રોફી જીતી છે. સૌથી પહેલા ધોનીએ પોતાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડકપ 2007નો ખિતાબ જીતાડ્યો હતો. આ પછી ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડકપ 2011નો ખિતાબ પોતાના નામે કર્યો. વર્ષ 2013માં ટીમ ઈન્ડિયાએ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

એમએસ ધોનીની કપ્તાની પહેલા ટીમ ઈન્ડિયા ક્યારેય બોર્ડર-ગાવસ્કર સીરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવી શકી ન હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ 2010-11 અને 2012-13માં બોર્ડર ગાવસ્કર સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આવું કરનાર ધોની ટીમ ઈન્ડિયાનો પ્રથમ કેપ્ટન હતો.

5 આઈપીએલ ટ્રોફી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ધોનીના ચાહકો હવે આઈપીએલમાં રમતા જોવા મળે છે. ધોની આઈપીએલના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે અને તેણે પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ચેમ્પિયન બનાવ્યું છે. ધોની આઈપીએલની શરૂઆતથી જ CSK ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો છે. ધોનીને મેદાન પર જોવા માટે ચાહકોને હવે એક વર્ષ સુધી રાહ જોવી પડે છે.

ધોનીની ક્રિકેટ કારકિર્દી

ધોનીએ તેની કારકિર્દીમાં 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 224 રન હતો. ધોનીએ 350 વનડે મેચમાં 10773 રન બનાવ્યા હતા. ODIમાં માહીનો હાઈ સ્કોર અણનમ 183 રન હતો. આ સિવાય 98 T20 મેચમાં 1617 રન બનાવ્યા હતા. આટલું જ નહીં, ધોનીએ તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધી 391 મેચ રમી છે.

  • Follow us on: