- ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ
- સિરીઝમાં ટીમની કમાન શુભમન ગિલના હાથમાં
- બંને ટીમો વચ્ચે આ સિરીઝમાં 5 T20 મેચ રમાશે
T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય ઝિમ્બાબ્વેને ઘરઆંગણે હરાવવાનું છે. ટીમ ઈન્ડિયા હવે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથમાં છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા માટે ઘણા ખેલાડીઓ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. શુભમન ગિલ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ સિરીઝ 6 જુલાઈથી શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચે આ સિરીઝમાં 5 T20 મેચ રમાશે.
ટીમ ઈન્ડિયાની તસવીર સામે આવી
ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ફ્લાઈટમાં બેસી ગઈ છે. ટીમ ઈન્ડિયાના નવા કોચ સાથે ખેલાડીઓની તસવીર પણ સામે આવી છે. BCCIએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. વીવીએસ લક્ષ્મણ આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના કોચ હશે. આ સિવાય IPL 2024માં ધૂમ મચાવનાર અભિષેક શર્મા, રિયાન પરાગ અને તુષાર દેશપાંડે જેવા ખેલાડીઓ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર છે.
વર્લ્ડકપના આ 3 ખેલાડીઓ પણ સામેલ થશે
T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હજુ સુધી પરત ફરી નથી. ટીમના તમામ ખેલાડીઓ હાલ વેસ્ટ ઈન્ડિઝમાં હાજર છે. વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ માત્ર ત્રણ ખેલાડી હવે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ સાથે જોડાશે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ટીમમાં યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝના આ ત્રણ ખેલાડીઓ સીધા ઝિમ્બાબ્વેમાં ભારતીય ટીમ સાથે જોડાશે. આ વખતે આ ત્રણ ખેલાડીઓને પ્રથમ વખત વર્લ્ડકપ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જયસ્વાલ અને સંજુને આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી નથી, જ્યારે શિવમ દુબેએ પોતાના ખરાબ પ્રદર્શનથી ટીમને નિરાશ કરી હતી.