- યુવરાજ સિંહનું બેટ ઓસ્ટ્રેલિયા સામેની નોકઆઉટ મેચમાં ફરી એકવાર ગર્જયું
- કાંગારૂઓ સામે સેમિફાઈનલ મેચમાં યુવરાજે 28 બોલમાં 59 રનની શાનદાર ઈનિંગ રમી
- સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની 86 રને હાર
ઓસ્ટ્રેલિયા સામે નોકઆઉટ મેચ હોય અને 'સિક્સર કિંગ' યુવરાજ સિંહનું બેટ કામ કરે નહીં તે લગભગ અશક્ય છે . ફરી એકવાર યુવરાજ સિંહે સાબિત કરી દીધું કે તે મોટી મેચનો ખેલાડી છે. 2007 ટી20 વર્લ્ડકપ અને 2011 વનડે વર્લ્ડકપની નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને ઘૂંટણિયે લાવનાર યુવરાજે શુક્રવારે રાત્રે તે જ કારનામું ફરી કર્યું, જે તે વર્ષો પહેલા કરતો હતો.
યુવરાજ સિંહની શાનદાર ઈનિંગ
બર્મિંગહામમાં રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સ લીગમાં ભારતીય ચેમ્પિયનની કેપ્ટનશીપ કરી રહેલા યુવરાજ સિંહે શુક્રવારે રાત્રે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં માત્ર 28 બોલમાં પાંચ છગ્ગાની મદદથી 59 રનની શાનદાર ઈનિંગ રમી હતી. યુવીના બેટમાંથી ચાર શાનદાર ચોગ્ગા પણ આવ્યા હતા. યુવરાજની આ ઈનિંગ જોઈને ફેન્સને 2007ના ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે 30 બોલમાં 70 રનની ઈનિંગ યાદ આવી હતી.
યુવરાજ સિંહ તેની જોરદાર ઈનિંગથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સિક્સર કિંગના વખાણમાં ફેન્સ સતત થઈ રહ્યા છે. આજે પણ 42 વર્ષના યુવરાજમાં તે જુસ્સો જોવા મળે છે જે 15 વર્ષ પહેલા દેખાતો હતો. શુક્રવારે જ્યારે યુવી ઓસ્ટ્રેલિયન બોલરોની ધોલાઈ કરી રહ્યો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે સિક્સર મારવી ખૂબ જ સહેલી વાત છે.
સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની 86 રને હાર
ભારતે પ્રથમ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં 20 ઓવરમાં 6 વિકેટે 254 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કાંગારૂઓની ટીમ 168 રન જ બનાવી શકી હતી. ઈન્ડિયા ચેમ્પિયન્સ તરફથી યુવરાજ સિંહે માત્ર 28 બોલમાં 59 રન ફટકાર્યા. ઈરફાન પઠાણે 19 બોલમાં 50 રન, યુસુફ પઠાણે 23 બોલમાં 51 રન અને રોબિન ઉથપ્પાએ 35 બોલમાં 65 રન બનાવ્યા હતા. ત્યારબાદ બોલિંગમાં ધવલ કુલકર્ણી અને પવન નેગીએ બે-બે વિકેટ લીધી હતી. જ્યારે હરભજન સિંહ અને ઈરફાન પઠાણને એક-એક સફળતા મળી હતી.
પાકિસ્તાન સામે ટકરાશે ટીમ ઈન્ડિયા
યુવરાજ સિંહની ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. શુક્રવારે જ પાકિસ્તાને પહેલી સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ 13 જુલાઈ શનિવારના રોજ બર્મિંગહામમાં રમાશે.
Image - X