- ઓપનર યશસ્વી જયસ્વાલના અણનમ 179 રન
- રેહાન અહેમદ અને શોએબ બશીરની 2-2 વિકેટ
- ટોમ હાર્ટલી અને જેમ્સ એન્ડરસન મળી 1-1 વિકેટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટે 336 રન છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટનો પ્રથમ દિવસ ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલના નામે રહ્યો હતો. યશસ્વી જયસ્વાલ 257 બોલમાં 179 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 17 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.
યશસ્વી જ્યસ્વાલની શાનદાર ઈનિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા. પરંતુ એક છેડેથી યશસ્વી જયસ્વાલે ઈનિંગને સંભાળી રાખી હતી. ભારતીય ટીમને પહેલો ફટકો 40 રનના સ્કોર પર લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી શુભમન ગિલ 34 રન બનાવી જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરે 27 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરને ટોમ હાર્ટલીએ આઉટ કર્યો હતો. રજત પાટીદાર 32 રન બનાવીને રેહાન અહેમદના હાથે બોલ્ડ થયો હતો.
ભારતનું ટોપ ઓર્ડર નિષ્ફળ
વાસ્તવમાં, ભારતીય બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલવામાં નિષ્ફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ઓલરાઉન્ડરને શોએબ બસીરે આઉટ કર્યો હતો.ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત 17 રન બનાવીને રેહાન અહેમદના બોલ પર આઉટ થયો હતો.
જ્યારે ઈંગ્લેન્ડના બોલરોની વાત કરીએ તો આજે શોએબ બશીર અને રેહાન અહેમદને 2-2 સફળતા મળી છે. આ સિવાય જેમ્સ એન્ડરસન અને ટોમ હાર્ટલીએ 1-1 વિકેટ લીધી હતી. જોકે પ્રથમ દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ અને રવિ અશ્વિન અણનમ પરત ફર્યા હતા. ભારતીય ટીમ બીજા દિવસે 6 વિકેટે 336 રનથી રમવાનું શરૂ કરશે.