ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ કાનપુરમાં રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો. ભારતે સૌથી ઝડપી 100 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે માત્ર 10.1 ઓવરમાં 103 રન બનાવીને પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.


ભારતે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

આ પહેલા ભારતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી. ભારતે વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં સૌથી ઝડપી 100 રન બનાવ્યા હતા. ત્યારે ભારતીય ટીમે 12.2 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. ભારતે શ્રીલંકાનો રેકોર્ડ તોડ્યો હતો. શ્રીલંકાએ વર્ષ 2001માં બાંગ્લાદેશ સામે 13.1 ઓવરમાં સૌથી ઝડપી 100 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

ભારતે મજબૂત શરૂઆત કરી

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે 233 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે તેના પ્રથમ દાવમાં ધમાકેદાર દેખાવ કર્યો હતો. રોહિત શર્માએ T-20 શૈલીમાં બેટિંગ કરી હતી. તેણે 11 બોલમાં 3 સિક્સ અને 1 ફોરની મદદથી 23 રન બનાવ્યા હતા. આ પછી યશસ્વી જયસ્વાલે કમાલ કરી. તેણે ઝડપી ફિફ્ટી ફટકારી હતી. જયસ્વાલે 51 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 12 બોલમાં 2 સિક્સર ફટકારી હતી. જ્યારે ગિલ 30 બોલમાં 37 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. આ સિવાય રિષભ પંત 5 બોલમાં 4 રન બનાવીને અણનમ છે. ટી બ્રેક સુધી ભારતે 16 ઓવરમાં 138/2 રન બનાવી લીધા છે.

  • Follow us on: