એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ જાહેરાત કરી છે કે એશિયા કપ આવતા વર્ષે ભારતમાં યોજાશે. અહેવાલો કહે છે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા આગામી ODI અને T20 ફોર્મેટ માટે યજમાન હશે. ભારત પછી, બાંગ્લાદેશ 2027માં આ ટૂર્નામેન્ટનું આયોજન કરશે, જે ODI ફોર્મેટમાં રમાશે. આ પછી, પાકિસ્તાન 2029 માં T20 ફોર્મેટમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરશે, જ્યારે શ્રીલંકા 2031 માં ODI ફોર્મેટમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરશે. એશિયા કપના મીડિયા રાઈટ્સની 2024 થી 2031 સુધી આઠ વર્ષ માટે હરાજી કરવામાં આવશે.
કયારે રમાશે એશિયા કપ
આ ટૂર્નામેન્ટમાં ભારતને તેના બે સૌથી અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ખોટ પડશે. કારણ કે આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે, જેમાંથી બંને ખેલાડીઓ સંન્યાસ લઈ ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટૂર્નામેન્ટ 2025ના ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવી શકે છે. ACC દ્વારા કહેવામાં આવ્યું છે કે એશિયન ટૂર્નામેન્ટની દરેક સિઝનમાં 13 મેચો રમાશે.
ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન ત્રણ વખત ટકરાશે
ટૂર્નામેન્ટના ફોર્મેટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી બે નિશ્ચિત ગ્રૂપ-સ્ટેજ મેચો હશે. જો બંને ટીમ ફાઇનલમાં પહોંચે છે તો તેઓ ત્રીજી વખત ટૂર્નામેન્ટમાં રમી શકે છે. ભારતે છેલ્લે 2023માં પાકિસ્તાન સાથે બે વખત મેચ રમી હતી.
2024 થી 2031 દરમિયાન ત્રણ મહિલા ટૂર્નામેન્ટ યોજાશે
ACC એ પણ કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન ત્રણ મહિલા એશિયા કપ ટૂર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવશે. ACC એ મીડિયા અધિકારો માટે US$170 મિલિયનની મૂળ કિંમત નક્કી કરી છે. આમાં વૈશ્વિક ટેલિવિઝન, ડિજિટલ અને ઓડિયો રાઈટ્સમાં 6 ACC ટુર્નામેન્ટમાં સામેલ હશે.