સચિન તેંડુલકરે ઘણા વર્ષો સુધી ભારતીય ટીમના ખેલાડી તરીકે સેવા આપી છે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સચિન વિશ્વની ઘણી લીગમાં ખેલાડી તરીકે ભાગ લેતો જોવા મળ્યો છે. જોકે હવે તેણે અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પૈસા ખર્ચ્યા છે. હવે સચિન યુવા પેઢીને અમેરિકામાં ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરશે. ખાસ વાત એ છે કે તેની સાથે સુનીલ ગાવસ્કર અને પૂર્વ દિગ્ગજ પાકિસ્તાની ખેલાડી વસીમ અકરમ પણ જોવા મળશે.
સચિન તેંડુલકર NCL જૂથમાં જોડાયો
સચિન તેંડુલકર ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ (NCL) જૂથમાં જોડાયો છે. તેના આ પગલાથી અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન મળશે. આ લીગનો ભાગ બન્યા બાદ સચિન તેંડુલકરે કહ્યું હતું કે ક્રિકેટ મારા જીવનની સૌથી મોટી સફર રહી છે અને અમેરિકામાં રમત માટેના રોમાંચક સમયે નેશનલ ક્રિકેટ લીગમાં જોડાઈને મને આનંદ થાય છે. તેંડુલકરે પોતાની વાતચીતમાં જણાવ્યું કે NCLનો ઉદ્દેશ્ય વિશ્વમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે. હું અમેરિકામાં ક્રિકેટનો વિકાસ જોવા માટે ઉત્સુક છું.
આ દિગ્ગજો પણ NCLમાં જોવા મળશે
આ ઉપરાંત લીગમાં દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, તબરેઝ શમ્સી, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, એન્જેલો મેથ્યુસ, કોલિન મુનરો, સેમ બિલિંગ્સ, મોહમ્મદ નબી અને જોન્સન ચાર્લ્સ સહિત વિશ્વભરના ટોચના ખેલાડીઓ પણ સામેલ થશે. NCLના અધ્યક્ષ અરુણ અગ્રવાલે કહ્યું કે નેશનલ ક્રિકેટ લીગ સચિન તેંડુલકરને આવકારે છે. સચિન NCLમાં વિજેતા ટીમને ટ્રોફી આપશે.