આ વર્ષે જૂનમાં ભારતને T20 વર્લ્ડ ટાઈટલ અપાવનાર કેપ્ટન રોહિત શર્માએ ફાઈનલ મેચને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સૂર્યકુમાર યાદવનો કેચ હતો, જેના આધારે ભારતે છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. પરંતુ અહીં રોહિતે સૂર્યકુમાર વિશે નહીં પરંતુ વિકેટકીપર રિષભ પંત વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે પંતે રમતને ધીમી કરવા માટે એક ચાલ કરી હતી અને તે તેમાં ઘણી હદ સુધી સફળ રહ્યો હતો.


પંતે ઈજાના બહાને મેચ રોકી

રોહિતે આ ખુલાસો એક શોમાં સાથી ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ સાથે કર્યો હતો. રોહિતે કહ્યું કે જ્યારે સાઉથ આફ્રિકા ટીમને 30 બોલમાં 30 રનની જરૂર હતી ત્યારે પંતે ઈજાના બહાને થોડા સમય માટે મેચ રોકી દીધી હતી. આનાથી સાઉથ આફ્રિકાના બેટ્સમેનોની લય તૂટી ગઈ, જેનો ફાયદો ટીમ ઈન્ડિયાને થયો હતો.

રોહિતે કહ્યું, 'તેમની પાસે ક્રિઝ પર બે સેટ બેટ્સમેન હતા અને ઘણી વિકેટ બાકી હતી. ત્યારે અમે તણાવ અનુભવતા હતા. અમે પણ ડરી ગયા હતા, પરંતુ તે સમયે કેપ્ટનમાં હિંમત હોવી જોઈએ. અમારામાંથી કોઈને આ વિશે ખબર ન હતી. ત્યારબાદ પંતે માઈન્ડ ગેમ રમી અને ઘૂંટણની ઈજાનું બહાનું કરીને મેચ અટકાવી દીધી. ત્યારબાદ પંતે તેના ઘૂંટણ પર ટેપ મારવાનું શરૂ કર્યું હતું.

રિષભ પંતે માઈન્ડ ગેમ રમી

તેણે આગળ કહ્યું, 'તે સમયે બેટ્સમેન ઇચ્છતો હતો કે બોલ ઝડપથી ફેંકવામાં આવે કારણ કે તે લયમાં હતો. ત્યારે અમારે લય તોડવાની જરૂર હતી. હું ફિલ્ડિંગ ગોઠવી રહ્યો હતો અને બોલર સાથે વાત કરી રહ્યો હતો અને પછી મેં જોયું કે પંત મેદાન પર સૂતો હતો. ફિઝિયો ત્યાં હતો અને ક્લાસેન મેચ ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યો હતો. હું એમ નથી કહેતો કે તે જીતનું કારણ હતું, પરંતુ તે હોઈ શકે છે. પંતે માઈન્ડ ગેમ રમી અને અમે જીતી ગયા.


  • Follow us on: