• કેપ્ટન રોહિત શર્મા સહિત ત્રણ ખેલાડીઓ ત્રીજી ODIમાંથી બહાર
  • ચાઈનામેન બોલર કુલદીપ યાદવનો છેલ્લી ODIમાટે ટીમમાં સમાવેશ
  • BCCIએ પ્રેસ રિલીઝ જારી કરીને આ અંગેની માહિતી આપી

બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ ખેલાડીઓની ઈજાના કારણે પરેશાન છે. ત્રીજી ODIમાંથી કેપ્ટન રોહિત શર્મા સહિત ત્રણ ખેલાડીઓ બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં ચાઈનામેન બોલર કુલદીપ યાદવને છેલ્લી વનડે માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ પ્રેસ રિલીઝ જારી કરીને આ અંગેની માહિતી આપી છે.

ત્રીજી ODI માટે ટીમ ઇન્ડિયામાં ફેરફાર

બાંગ્લાદેશ સામેની ત્રીજી ODI માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રોહિત શર્મા અંગૂઠાની ઈજાને કારણે આ મેચમાંથી બહાર છે. આ સાથે કુલદીપ સેન અને દીપક ચહર પણ આ છેલ્લી ODIનો ભાગ નહીં હોય. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ ત્રીજી ODIમાં ટીમની કમાન સંભાળશે. BCCIએ પ્રેસ રિલીઝ જારી કરીને આ અંગેની માહિતી આપી છે.

રોહિતનું ટેસ્ટ સિરીઝમાં રમવું પણ શંકાસ્પદ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતના કેપ્ટન રોહિત શર્માને બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈનિંગની બીજી ઓવરમાં અંગૂઠામાં ઈજા થઈ હતી. BCCIની મેડિકલ ટીમ દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ઢાકાની સ્થાનિક હોસ્પિટલમાં તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. નિષ્ણાત સલાહ માટે તે મુંબઈ જવા રવાના થયો છે અને અંતિમ ODIમાં રમી શકશે નહીં. આગામી ટેસ્ટ શ્રેણી માટે તેની ઉપલબ્ધતા અંગે નિર્ણય પછીથી લેવામાં આવશે.

કુલદીપ યાદવનો ટીમમાં સમાવેશ

BCCIએ નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે, "ફાસ્ટ બોલર કુલદીપ સેને પ્રથમ ODI પછી તેની પીઠમાં જકડાઈ જવાની ફરિયાદ કરી હતી. BCCIની મેડિકલ ટીમે તેનું મૂલ્યાંકન કર્યું અને તેને બીજી ODIમાં આરામની સલાહ આપવામાં આવી છે. કુલદીપને શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

કુલદીપ અને દીપક શ્રેણીમાંથી બહાર

'કુલદીપના સાથી ફાસ્ટ બોલર દીપક ચહરને પણ બીજી ODI દરમિયાન ઈજા થઇ હતી અને તે પણ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. કુલદીપ અને દીપક બંને હવે તેમની ઇજાઓના વધુ સંચાલન માટે NCAને રિપોર્ટ કરશે. પસંદગી સમિતિએ કુલદીપ યાદવને ત્રીજી અને અંતિમ ODI માટે ભારતીય ટીમમાં સામેલ કર્યો છે.


બાંગ્લાદેશે ODI શ્રેણી જીતી

બાંગ્લાદેશ સામેની ત્રીજી ODI 10 ડિસેમ્બર શનિવારના રોજ ચિત્તાગોંગમાં રમાવાની છે. બાંગ્લાદેશે પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પર કબ્જો કરી લીધો હતો, આવી સ્થિતિમાં કેએલ રાહુલના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મેચ જીતીને પોતાનું સન્માન બચાવવા પ્રયાસ કરશે.

બાંગ્લાદેશ સામે ત્રીજી ODI માટે ભારતીય ટીમ:

KL રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, કુલદીપ યાદવ.

  • Follow us on: