બાંગ્લાદેશની ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં સિરીઝની પ્રથમ મેચ જીતી હતી. જે બાદ હવે બંને ટીમ કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. આ પછી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. જેમાં ટીમ ઈન્ડિયા બદલાયેલી દેખાઈ શકે છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને T20 સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે.
રિષભ પંતને આરામ આપવામાં આવશે
એક અહેવાલ મુજબ, વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને વર્કલોડના કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ મેચની T20 સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. હાલમાં પંત ટેસ્ટ સિરીઝમાં રમી રહ્યો છે. પંતે પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. ચેન્નાઈ ટેસ્ટમાં પંતે લગભગ 2 વર્ષ બાદ રેડ બોલ ક્રિકેટમાં વાપસી કરી હતી.
સંજુ સેમસન અને ઈશાન કિશનને મળી શકે તક
રિપોર્ટ અનુસાર, જો રિષભ પંતને બાંગ્લાદેશ સાથેની T20 સિરીઝમાં આરામ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સંજુ સેમસન અને ઈશાન કિશનની ટીમ ઈન્ડિયામાં પસંદગી થાય તે નિશ્ચિત માનવામાં આવે છે. જો આવું થાય છે, તો તે બંને ખેલાડીઓ માટે સારા સમાચાર હશે, ખાસ કરીને ઇશાન કિશન માટે જે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. આ બંને ખેલાડીઓનું પ્રદર્શન દુલીપ ટ્રોફી 2024માં સારું રહ્યું હતું, પરંતુ ટેસ્ટ સિરીઝ માટે બંને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી ન હતી, પરંતુ હવે સંજુ અને ઈશાન T20 સિરીઝમાં રમતા જોવા મળી શકે છે.