- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
- સિરીઝની બીજી મેચ 2 જાન્યુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે
- રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે સિરીઝમાંથી થઈ શકે છે બહાર
આ દિવસોમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે સિરીઝની પ્રથમ મેચ જીતીને 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે સિરીઝની બીજી મેચ 2 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. ટીમ ઈન્ડિયાના બે અનુભવી ખેલાડી રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. આ બંને ખેલાડીઓ પ્રથમ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરભ કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જાડેજા આખી સિરીઝમાંથી થઈ શકે છે બહાર
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હૈદરાબાદ ટેસ્ટના ચોથા દિવસે રન આઉટ થતાં થોડી મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. જેના કારણે જાડેજા લંગડાતો જોવા મળ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાને જાડેજાના રૂપમાં મોટો ફટકો પડી શકે છે. એક અહેવાલ મુજબ રવિન્દ્ર જાડેજાની ઈજા ઘણી ગંભીર છે જેના કારણે જાડેજા સિરીઝની બાકીની મેચોમાંથી બહાર થઈ શકે છે.
BCCIના સૂત્રએ જણાવ્યું હતું કે હૈદરાબાદ ટેસ્ટના ચોથા દિવસે ઝડપથી દોડતી વખતે રવીન્દ્ર જાડેજાને સ્નાયુમાં ખેંચ આવી હતી. જેના કારણે જાડેજાની ઈજા ગંભીર હોઈ શકે છે. બીજી તરફ કેએલ રાહુલ સિરીઝમાં વાપસી કરી શકે છે. જો રવિન્દ્ર જાડેજા આખી સિરીઝમાંથી બહાર થઈ જાય છે તો ટીમ ઈન્ડિયા માટે તે મોટો ફટકો હોઈ શકે છે.
આ ખેલાડીઓ બીજી મેચમાંથી બહાર
ભારતીય ટીમ સિરીઝની પ્રથમ મેચ હાર્યા બાદ 1-0થી પાછળ છે, ત્યારબાદ હવે ટીમ ઈન્ડિયા બીજી મેચ જીતીને સિરીઝમાં વાપસી કરવા ઈચ્છશે. જે આટલું આસાન બનવાનું નથી. કારણ કે વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ જેવા અનુભવી ખેલાડીઓ સિરીઝની બીજી મેચમાંથી બહાર થઈ જશે. બીજી તરફ રોહિત શર્મા, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર પહેલાથી જ ફોર્મમાં નથી. જેના કારણે હવે ફરી એકવાર ટીમ ઈન્ડિયા સામે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવવાનો પડકાર હશે.