• ભારતે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું
  • આ સિરીઝમાં રજત પાટીદાર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો
  • બીજી ઈનિંગમાં રજત પાટીદાર ડકનો શિકાર બન્યો

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં શાનદાર વિજય નોંધવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 434 રનના વિશાળ અંતરથી હરાવીને સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમના દરેક ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ આ જ ટેસ્ટમાં રજત પાટીદારનો બેટ કમાલ કરી શક્યુ ન હતું. જે પિચ પર ભારતીય બેટ્સમેનો જોરદાર રન બનાવી રહ્યા હતા. જ્યારે રજત પાટીદાર પ્રથમ દાવમાં પાંચ અને બીજા દાવમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. જે બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું ટીમ મેનેજમેન્ટ રાંચી ટેસ્ટમાં પણ રજત પાટીદાર પર દાવ લગાવશે કે પછી ટીમમાં મોટો ફેરફાર થશે.

રાંચી ટેસ્ટમાંથી થઈ શકે છે બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. આ ટેસ્ટમાં રજત પાટીદારને પ્લેઇંગ-11માંથી બહાર કરી શકાય છે. વાસ્તવમાં કેએલ રાહુલ ચોથી ટેસ્ટમાંથી પરત ફરે તેવી અપેક્ષા છે. જે બાદ તેઓ રજત પાટીદારનું સ્થાન લઈ શકે છે. રજત પાટીદારને ટીમ ઈન્ડિયામાં બે ટેસ્ટ મેચ રમવાની તક મળી છે. પરંતુ તે અત્યાર સુધી કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. જે બાદ ચોથી ટેસ્ટમાં તે બેન્ચ પર બેસશે તે લગભગ નિશ્ચિત છે.

રજત પાટીદાર ફ્લોપ

રજત પાટીદારે વિશાખાપટ્ટનમમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જેમાં તે પ્રથમ ઇનિંગમાં 32 રન અને બીજી ઇનિંગમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, ટીમ મેનેજમેન્ટે રાજકોટ ટેસ્ટમાં પણ રજત પાટીદાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ તે ટીમની અપેક્ષાઓ પર પૂર્ણપણે ખરો ઉતરી શક્યો નહોતો. તેણે રાજકોટ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 0 રન બનાવ્યા હતા. જે બાદ એ નિશ્ચિત છે કે જો કેએલ રાહુલ ટીમમાં વાપસી કરશે તો તેને બેંચ પર બેસવું પડશે.

સરફરાઝ ખાનનું સ્થાન કન્ફર્મ

સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામેની બાકીની બે ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ-11માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. રાજકોટ ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાને બંને ઇનિંગ્સમાં ફિફટી ફટકારી હતી. જ્યાં તેણે પ્રથમ દાવમાં 66 બોલમાં 62 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં તેણે 72 બોલમાં 68 રન બનાવ્યા હતા. સરફરાઝના આ વિસ્ફોટક પ્રદર્શન બાદ ટીમ મેનેજમેન્ટ તેને બહાર કરવાની ભૂલ નહીં કરે. જે બાદ આ ખેલાડી બાકીની બે ટેસ્ટ રમશે તે લગભગ નિશ્ચિત છે.

ભારતે રાજકોટમાં કમાલ કરી

રાજકોટ ટેસ્ટમાં લગભગ તમામ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યાં કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. સરફરાઝ ખાને ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર ડેબ્યુ કર્યું હતું. સરફરાઝ ઉપરાંત ધ્રુવ જુરેલે પણ પ્રથમ દાવમાં 46 રન બનાવ્યા હતા અને તે વિકેટ કીપિંગમાં પણ અસરકારક રહ્યો હતો. પ્રથમ દાવમાં ભારતની બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે (214) ઝડપી બેવડી સદી ફટકારી હતી. શુભમન ગિલે પણ 91 રનની ખાસ ઇનિંગ રમી હતી. આ પછી સરફરાઝ ખાને પણ બેટિંગમાં પોતાની છાપ છોડી અને 72 બોલમાં 68 રન બનાવ્યા. જ્યારે બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ પાંચ બેટ્સમેનોનો પોતાની જાળમાં ફસાવ્યા હતા.

  • Follow us on: