- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
- પ્રથમ ટેસ્ટ હૈદરાબાદમાં 25 જાન્યુઆરીથી શરૂ થશે
- પ્રથમ ટેસ્ટ પહેલા ઈંગલેન્ડને સિરાજે આપી ચેતવણી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં એક તરફ ઈંગ્લેન્ડની ટીમ ફરી એકવાર ભારત સામે બેઝબોલ ક્રિકેટ રમવા માટે તૈયાર છે તો બીજી તરફ ભારતીય ટીમ પણ ઈંગ્લેન્ડની આક્રમક રમતનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડની ટીમને ટેસ્ટ સિરીઝ પહેલા બેઝબોલ ક્રિકેટ અંગે ચેતવણી આપી છે. મોહમ્મદ સિરાજનું માનવું છે કે ઇંગ્લેન્ડ માટે ભારતીય પિચો પર બેઝબોલ ક્રિકેટ રમવું સરળ નથી.
ભારતમાં બેઝબોલ ક્રિકેટ નહીં ચાલે
મેચ પહેલા મોહમ્મદ સિરાજે કહ્યું હતું કે જો ઈંગ્લેન્ડ બેઝબોલ ક્રિકેટ રમવાનો પ્રયત્ન કરશે તો મેચ જલ્દી ખતમ થઈ જશે. ભારતમાં સ્થિતિ ઘણી અલગ છે, જો ઈંગ્લેન્ડ અહીં આક્રમક રીતે રમવાનું ચાલુ રાખશે તો મેચ 2 દિવસમાં સમાપ્ત થઈ શકે છે. અહીં દરેક બોલને ફટકારવો આસાન નથી, ક્યારેક બોલ ટર્ન થઈ જશે તો ક્યારેક સીધો જ રહેશે. આવી સ્થિતિમાં, જો ઇંગ્લેન્ડ હજી પણ બેઝબોલ ક્રિકેટ રમે છે, તો તે અમારા માટે ખૂબ સારું રહેશે કારણ કે મેચ ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવના છે.
મોહમ્મદ સિરાજ શાનદાર ફોર્મમાં
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું વર્તમાન ફોર્મ ઘણું શાનદાર છે. મોહમ્મદ સિરાજે સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી હતી. ખાસ કરીને કેપટાઉન ટેસ્ટમાં સિરાજે એકલા હાથે સાઉથ આફ્રિકાની ટીમ પર તબાહી મચાવી હતી.
કેપટાઉન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ સિરાજે માત્ર 15 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. સિરાજનું વર્ષ 2024નું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. સિરાજના આ શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટમાં 7 વિકેટે જીત મેળવી હતી.