- T20 વર્લ્ડકપ 2024ની આજે 8મી મેચ
- આયર્લેન્ડ અને ભારત વચ્ચે રમાશે મેચ
- નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ
ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડ આજે T20 વર્લ્ડકપ 2024માં પોતપોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે. જો કે આયરલેન્ડને ટીમ ઈન્ડિયા કરતા ઘણું નબળી માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ટીમને હળવાશથી લેવાનું પસંદ કરશે નહીં. સાથે જ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડના આ ત્રણ ખેલાડીઓને નજરઅંદાજ કરવાની ભૂલ નહીં કરે.
'આયર્લેન્ડ માટે T20 ક્રિકેટનો કિંગ'
આ યાદીમાં પહેલું નામ આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગનું છે. પોલ સ્ટર્લિંગે 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. T20 ક્રિકેટમાં 400 ચોગ્ગા મારનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન તરીકે તેની ઓળખ થઈ હતી. પોલ સ્ટર્લિંગ અત્યાર સુધીમાં કુલ 142 આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે. આમાં તેણે 135.43ના સ્ટ્રાઈક રેટથી કુલ 3589 રન બનાવ્યા છે. આ સાથે તેણે 7.44ની ઈકોનોમી સાથે કુલ 20 વિકેટ પણ લીધી છે. વિરાટ કોહલી (4037), બાબર આઝમ (4023) અને રોહિત શર્મા (3974) બાદ પોલ સ્ટર્લિંગનું નામ T20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં છે. સ્ટર્લિંગે અત્યાર સુધી ટી20 ક્રિકેટમાં કુલ 3589 રન બનાવ્યા છે. સ્ટર્લિંગને 7 વર્લ્ડકપ રમવાનો અનુભવ પણ છે. જોકે તે ક્યારેય વર્લ્ડ કપમાં ભારત સામે રમ્યો નથી. પરંતુ ભારતીય ટીમ તેના અનુભવ અને રમતના રેકોર્ડને કોઈપણ સંજોગોમાં અવગણવાનું પસંદ કરશે નહીં.
'IPL રમવાની તક મળી'
લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જોશુઆ લિટલનું નામ આ યાદીમાં બીજા સ્થાને આવે છે. જોશુઆએ અત્યાર સુધીમાં 66 આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ રમી છે, જેમાં તેણે 7.45ની ઈકોનોમી સાથે કુલ 78 વિકેટ લીધી છે. તે જ સમયે, આ યુવા ક્રિકેટરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ કુલ 11 મેચ રમી છે અને 8.92ની ઈકોનોમી સાથે કુલ 11 વિકેટ લીધી છે. જોશુઆ એવો પહેલો ખેલાડી છે જેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની તક મળી છે. IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમી ચૂકેલા જોશુઆને મોટા ખેલાડીઓ સાથે બેન્ચ શેર કરવાનો અનુભવ છે. જોશુઆને નવા બોલ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોલર માનવામાં આવે છે.
ભારત સામે તોફાની ઇનિંગ્સ રમી હતી
આયર્લેન્ડના પૂર્વ કેપ્ટન એન્ડ્ર્યુ બાલબિર્ની પણ ભારતીય ટીમને પડકાર આપતા જોવા મળી શકે છે. તાજેતરમાં, વર્લ્ડકપ પહેલા, બાલબિર્નીએ પાકિસ્તાન સામે 183 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ઓપનર તરીકે 55 બોલમાં 77 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી અને આયર્લેન્ડને પાંચ વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાલબિર્નીએ 2022માં ભારત સામે રમાયેલી મેચમાં પોલ સ્ટર્લિંગ સાથે પાવર પ્લેમાં 73 રનની વિસ્ફોટક શરૂઆત પણ કરી હતી. પોલ સ્ટર્લિંગે 18 બોલમાં 40 રન અને બલબિર્નીએ 37 બોલમાં 60 રન ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી. જો કે ભારતે તે મેચ જીતી લીધી હતી, પરંતુ એક સમયે આયર્લેન્ડે 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 119 રન બનાવીને ભારતીય ટીમના હૃદયના ધબકારા વધારી દીધા હતા. બાલબિર્ની પાસે 106 આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચનો અનુભવ પણ છે. આમાં તેણે 124.15ના સ્ટ્રાઈક રેટથી કુલ 2370 રન બનાવ્યા છે.