- ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે
- ગિલની કેપ્ટન્સીમાં 5 મેચની T20 સિરીઝ રમી રહી છે
- આ પછી ટીમ ઈન્ડિયા શ્રીલંકાનો પ્રવાસ કરશે
ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. જ્યાં શુભમન ગિલની કેપ્ટન્સીમાં 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. ભારતીય ટીમ આ પ્રવાસની છેલ્લી મેચ 15 જુલાઈએ રમશે. આ પછી ટીમ ઈન્ડિયા શ્રીલંકાનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયા નવા કોચ અને નવા કેપ્ટન સાથે આ પ્રવાસ પર જઈ શકે છે. શ્રીલંકા પ્રવાસ પહેલા પૂર્વ દિગ્ગજ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે જાહેર કરવામાં આવી શકે છે.
લાંબા બ્રેક પર રોહિત શર્મા
T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ હવે રોહિત શર્મા લાંબી રજા પર ગયો છે. આવી સ્થિતિમાં શ્રીલંકા પ્રવાસ પર તેની વનડે સિરીઝ રમવાની શક્યતાઓ પણ ઘણી ઓછી હોવાનું કહેવાય છે. આ પ્રવાસમાં રોહિત સિવાય વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. ભારતે જુલાઈના અંતમાં શ્રીલંકા સાથે ODI અને T20 બંને સિરીઝ રમવાની છે. રોહિત અને વિરાટ પહેલા જ T20Iમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. હવે વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માટે બે ખેલાડીઓના નામની ચર્ચા થઈ રહી છે.
કેએલ રાહુલ કે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા શ્રીલંકા પ્રવાસ પર T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે. આ સિવાય હાર્દિકને વનડે સિરીઝ માટે પણ કેપ્ટન બનાવવાની વિચારણા થઈ શકે છે, પરંતુ તેમાં કેએલ રાહુલ પણ છે. BCCI કેએલ રાહુલને પણ અવગણી શકે નહીં. કેએલ રાહુલ આઈપીએલ 2024થી ક્રિકેટના મેદાનથી દૂર છે, તેને T20 વર્લ્ડકપ 2024 માટે ટીમમાં તક પણ મળી નથી. પરંતુ હવે રાહુલ શ્રીલંકા પ્રવાસથી ટીમમાં વાપસી કરી શકે છે. સાઉથ આફ્રિકા સાથે રમાયેલી વનડે સિરીઝમાં કેએલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ફરી એકવાર રાહુલ સુકાની તરીકે જોવા મળી શકે છે.
BCCIના સૂત્રએ આપી હતી માહિતી
BCCIના એક સૂત્રએ જણાવ્યું કે રોહિત અને વિરાટ પોતે જ ODI ટીમમાં પરત ફરવાના સંકેત આપશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સાથે 3 મેચની વનડે સીરિઝ રમવાની છે, જે તેના માટે પૂરતી છે. આગામી કેટલાક મહિનામાં આ બંને ખેલાડીઓ ટેસ્ટ મેચો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે ટીમ ઈન્ડિયાએ સપ્ટેમ્બરથી જાન્યુઆરી 2025 સુધી 10 ટેસ્ટ મેચ રમવાની છે.