- શ્રીલંકા અને ભારત વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે
- પ્રથમ વનડેમાં ગંભીર-રોહિતનો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો
- સુંદરને વિરાટ કોહલી બાદ ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલ્યો
શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં ગૌતમ ગંભીર અને રોહિત શર્માનો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો હતો. ગંભીર અને રોહિતે વોશિંગ્ટન સુંદરને વિરાટ કોહલી બાદ ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલ્યો હતો. ભારતીય થિંક ટેન્કનું માનવું હતું કે કદાચ વોશિંગ્ટન સુંદર લેફ્ટ-રાઈટ કોમ્બિનેશનમાં લેફ્ટી હોવાને કારણે શ્રીલંકાના બોલરો સામે દબાણ બનાવવામાં ઉપયોગી થશે. પરંતુ સુંદરની નિષ્ફળતાએ પ્રશ્નો ઉભા કર્યા છે કારણ કે ભારતીય ટીમને જીતી શકાય તેવી મેચમાં ટાઈ થઈ હતી.
વોશિંગ્ટન સુંદર ચોથા નંબરે બેટિંગ માટે ઉતર્યો
14મી ઓવરના બીજા બોલ પર વેલ્લાલાગે 58 રનના અંગત સ્કોર પર રોહિત શર્માને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. રોહિત શર્માએ 3 સિક્સર અને 7 ફોરની મદદથી 58 રન બનાવ્યા હતા. રોહિતના આઉટ થયા બાદ વોશિંગ્ટન સુંદર બેટિંગ કરવા આવ્યો હતો. સુંદરે એક ચોગ્ગાની મદદથી ચાર બોલમાં માત્ર 5 રન બનાવ્યા હતા અને અકિલા ધનંજયના બોલ પર LBW આઉટ થઈ ગયો હતો.
ભારતની પ્રથમ વિકેટ 75ના સ્કોર પર શુભમન ગિલના રૂપમાં પડી હતી. ત્યારબાદ 87ના સ્કોર પર રોહિત શર્માની વિકેટ પડી અને વોશિંગ્ટન સુંદર 87ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. આ રીતે ટીમ ઈન્ડિયાએ 12 રન ઉમેરતા જ 3 મોટી વિકેટ ગુમાવી દીધી હતી.
અક્ષર પટેલ વધુ સારો વિકલ્પ હોત?
હવે સવાલ એ છે કે જો ટીમને લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન જોઈતું હતું તો અક્ષર પટેલ પર કેમ વિશ્વાસ ન કર્યો. અક્ષર પટેલે T20 વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા હતા. ફાઇનલ મેચમાં અક્ષર પટેલને બેટિંગ ક્રમમાં ઊંચો મોકલવામાં આવ્યો હતો. આ મેચમાં અક્ષર પટેલ સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે કેએલ રાહુલ સાથે શાનદાર ભાગીદારી કરી હતી.