• ભારત અને સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ODI સિરીઝ
  • ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને પ્રથમ મેચમાં 143 રનથી હરાવ્યું
  • આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 127 બોલમાં 117 રન બનાવ્યા હતા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 3 ODI સિરીઝની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને આસાનીથી હરાવ્યું છે. સાઉથ આફ્રિકાની ટીમને 143 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 265 રન બનાવ્યા હતા. આ રીતે સાઉથ આફ્રિકાને 266 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 37.4 ઓવરમાં માત્ર 122 રનમાં જ સમેટાઈ ગયું હતું. આ જીત બાદ ભારતીય ટીમ 3 વનડે સિરીઝમાં 1-0થી આગળ છે. 

આ પહેલા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર સ્મૃતિ મંધાનાએ 127 બોલમાં 117 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય દિપ્તી શર્માએ 48 બોલમાં 37 રન અને પુજા વસ્ત્રકારે 42 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું.

સાઉથ આફ્રિકાના બેટ્સમેનોનો ફ્લોપ શો...

ભારતના 265 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફર્યા હતા. લૌરા વૂલમાર્ટ 4 બોલમાં 4 રન બનાવીને રેણુકા સિંહનો શિકાર બની હતી. તાજમીન બ્રિટ્સે 31 બોલમાં 18 રન બનાવ્યા હતા. અનિક બોશ 13 બોલમાં 5 રન બનાવીને આઉટ થઈ હતો. જ્યારે સુને લુસ 58 બોલમાં 33 રન બનાવીને દીપ્તિ શર્માનો શિકાર બની હતી. મારિજન કેપે 39 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. આ રીતે દક્ષિણ આફ્રિકાના મોટાભાગના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. પરિણામે દક્ષિણ આફ્રિકાની ટીમને 143 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન

ભારતીય બોલરોની વાત કરીએ તો આશા શોભના સૌથી સફળ બોલર હતી. આશા શોભનાએ 8.4 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સિવાય દીપ્તિ શર્માને 2 સફળતા મળી. તેમજ રેણુકા સિંહ ઠાકુર, પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવને 1-1 સફળતા મળી હતી.

  • Follow us on: