- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-1 થી બરાબરી
- અહેવાલ મુજબ રાજકોટની પીચ સ્પિનરો માટે મદદરૂપ થશે
- અહીં બેટ્સમેનોને પણ રન બનાવવાની તક મળી શકે છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ 1-1 થી બરાબર છે. સિરીઝની ત્રીજી અને મહત્વની મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થઈ રહી છે. રાજકોટમાં રમાઈ રહેલી મેચની પીચ પર સ્પિનરોનો જાદુ જોઈ શકાય છે. સ્પોર્ટ્સના અહેવાલ મુજબ રાજકોટની પીચ સ્પિનરો માટે મદદરૂપ થશે. જો કે આ પીચ પર બેટ્સમેનોને રન બનાવવાની તક પણ મળી શકે છે.
બન્ને ટીમો રાજકોટ પહોંચી
ત્રીજી ટેસ્ટની તૈયારી માટે બંને ટીમ 12 ફેબ્રુઆરીએ રાજકોટ પહોંચી છે. બીજી અને ત્રીજી ટેસ્ટમાં 10 દિવસનો વિરામ હતો. આ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમ અબુધાબી ગઈ હતી જ્યારે ભારતીય ખેલાડીઓએ ઘરે જઈને આરામ કર્યો હતો. પરંતુ હવે ખેલાડીઓએ ત્રીજી ટેસ્ટ મેચ માટે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. જોકે, સ્ટાર સ્પિનર જેક લીચની ગેરહાજરીને કારણે ઈંગ્લેન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે. યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કરતા ઈંગ્લેન્ડે લીચના સ્થાને કોઈ જાહેરાત કરી નથી.
કેવી છે રાજકોટની પીચ
બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે, "રાજકોટની પીચ ટેસ્ટ મેચ માટે ઉત્તમ વિકેટ સાબિત થશે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ સ્પિનરો પીચ પર પ્રભુત્વ મેળવશે. પરંતુ આ પીચ પર બોલરો સિવાય બેટ્સમેન માટે પણ ઘણું બધું હશે. પિચથી કોઈ નિરાશ થવાનું નથી. પરંતુ પિચ પર સ્પિનરોને થોડી વધુ મદદ મળશે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા છે. અત્યાર સુધી ઈંગ્લેન્ડની ટીમે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
15 ફેબ્રુઆરીથી રમાશે ત્રીજી ટેસ્ટ
તમને જણાવી દઈએ કે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી અને જીત મેળવવામાં સફળતા મેળવી. હાલમાં શ્રેણી 1-1થી બરાબર છે. ત્રીજી ટેસ્ટમાં બંને ટીમોની નજર જીત અને લીડ લેવા પર રહેશે.