- આજે આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે
- આ દિવસ લેફ્ટી લોકોના સન્માનમાં ઉજવવામાં આવે છે
- ભારતના ડાબા હાથના ક્રિકેટ ખેલાડીઓ જેમણે શાનદાર પ્રદર્શન કર્યુ
આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે દર વર્ષે 13 ઓગસ્ટે વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ તે લોકોના સન્માનમાં ઉજવવામાં આવે છે જેમણે તેમના ડાબા હાથથી ઉત્તમ કાર્ય કરવામાં નિપુણતા પ્રાપ્ત કરી છે. બહુમુખી પ્રતિભા ધરાવતા લોકોનું પણ આ દિવસે સન્માન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે વિશ્વમાં સૌ પ્રથમ 1976 માં ઉજવવામાં આવ્યો હતો. આજે ભારતના એવા ડાબા હાથના ક્રિકેટ ખેલાડીઓ વિશે વાત કરીશું, જેમણે વિશ્વના દરેક મેદાન પર ભારતનો ધ્વજ લહેરાવ્યો છે.
સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ જ ભારત વિદેશમાં જીતવાનું શીખી ગયું. તેની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયાને યુવરાજ સિંહ, ઝહીર ખાન અને હરભજન સિંહ જેવા મહાન ખેલાડીઓ મળ્યા. ગાંગુલી શ્રેષ્ઠ કેપ્ટન હતો. તેની પાસે સારા ખેલાડીઓ પણ હતા. ટીમ ઈન્ડિયા માટે 300 થી વધુ ODI મેચ રમનારા કેટલાક ખેલાડીઓમાં તેનો સમાવેશ થાય છે. તેણે ટીમ ઈન્ડિયા માટે આવી ઘણી ઈનિંગ્સ રમી છે, જે વર્ષો સુધી યાદ રહેશે. કોલકાતાના પ્રિન્સ તરીકે પ્રખ્યાત ગાંગુલી ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન છે. તેણે ભારત માટે 421 આંતરરાષ્ટ્રીય મેચોમાં 18433 રન બનાવ્યા છે જેમાં 38 સદી સામેલ છે.
યુવરાજ સિંહ
યુવરાજ સિંહ તેની વિસ્ફોટક બેટિંગ અને કિલર બોલિંગ માટે જાણીતો છે. તેણે એકલા હાથે ભારતને ODI વર્લ્ડકપ અને T20 વર્લ્ડકપ ટાઇટલ અપાવ્યું. તે ODI વર્લ્ડકપ 2011માં ટીમ ઈન્ડિયા માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. સિક્સર મારવામાં ક્રિકેટની દુનિયામાં તેની કોઈ સ્પર્ધા નહોતી. તેણે ટીમ ઈન્ડિયા માટે 399 ઈન્ટરનેશનલ મેચમાં 11686 રન બનાવ્યા છે. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 17 સદી ફટકારી છે.
શિખર ધવન
શિખર ધવને વર્ષ 2010માં ભારત તરફથી ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યુ કર્યા બાદ ઘણા વર્ષો સુધી તે ટીમ ઈન્ડિયાની અંદર અને બહાર જતો રહ્યો. આ પછી તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં ઓપનિંગની જવાબદારી આપી અને તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો હીરો સાબિત થયો. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં બે સદી સહિત કુલ 363 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધવન ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટ્સમેન છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10867 રન બનાવ્યા છે જેમાં 24 સદી સામેલ છે.
ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી 15 વર્ષ સુધી ચાલી છે. તેણે 11 એપ્રિલ 2003ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ મેચ બાંગ્લાદેશ સામે ઢાકામાં રમાઈ હતી. તેણે પોતાની કારકિર્દીમાં ઘણી મજબૂત ઇનિંગ્સ રમી છે. 2007 T20 અને 2011 ODI વર્લ્ડકપ તેની કારકિર્દીમાં ખૂબ જ ખાસ રહ્યો. ગંભીરે આ બંને વર્લ્ડકપની ફાઇનલમાં મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. સૌથી પહેલા 2007 T20 વર્લ્ડકપની ફાઇનલમાં ગંભીરે પાકિસ્તાન સામે 54 બોલમાં 75 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. ગંભીરની કારકિર્દીમાં 2011 વર્લ્ડકપ ફાઇનલમાં રમાયેલી 97 રનની યાદગાર ઇનિંગ પણ સામેલ છે, જેના કારણે ભારત બીજી વખત વર્લ્ડકપ જીત્યું હતું. આ વર્લ્ડકપની ફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાઈ હતી.
સુરેશ રૈના
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને વર્લ્ડ કપ 2011માં ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઈનલ અને પાકિસ્તાન સામેની સેમીફાઈનલમાં શાનદાર ઈનિંગ્સ રમવા માટે હંમેશા યાદ કરવામાં આવશે. જો ઈન્ડિયન પ્રીમિયર લીગના સૌથી સફળ બેટ્સમેનોની ગણતરી કરવામાં આવે તો આ ડાબા હાથના બેટ્સમેનનું નામ ચોક્કસપણે લેવામાં આવશે. સુરેશ રૈનાએ ભારતીય ટીમ માટે 18 ટેસ્ટ, 226 ODI અને 78 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટ ફોર્મેટમાં 768 રન અને ODI ફોર્મેટમાં 35.3ની એવરેજથી 5,615 રન બનાવ્યા હતા. જ્યારે ટી20 ફોર્મેટમાં તેણે 134.9ના સ્ટ્રાઈક રેટ સાથે 1,605 રન બનાવ્યા હતા.