- BCCIએ IPL 2023 મિની ઓક્શન માટે ખેલાડીઓની યાદી જાહેર કરી
- 991 રજિસ્ટર્ડ ખેલાડીઓમાંથી 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરાયા
- 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડીઓ પર બોલી લાગશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2023 મિની ઓક્શન માટે ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ વખતે 991 રજિસ્ટર્ડ ખેલાડીઓમાંથી 405 ખેલાડીઓને મીની ઓક્શન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં થશે.
23 ડિસેમ્બરે કોચીમાં મિની ઓક્શન
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ વાગી ગયું છે. આ વખતે મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ પર તમામ 10 ફ્રેન્ચાઇઝી બિડ કરશે. આ હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં થશે. આ મિની ઓક્શન ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરાયા
આ વખતે મિની ઓક્શન માટે 714 ભારતીય સહિત કુલ 991 ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી તમામ 10 ફ્રેન્ચાઇઝીએ 369 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા હતા. પરંતુ તેમાં વધારાના 36 ખેલાડીઓને પણ સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી.
132 વિદેશી ખેલાડીઓ પર બિડિંગ થશે
BCCIએ હરાજી માટે કુલ 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. આ તમામ ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે, જેના પર ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે. આ 132 ખેલાડીઓમાંથી 4 ખેલાડીઓ એસોસિયેટ દેશના છે. આ ખેલાડીઓમાં 119 કેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.
87 ખેલાડીઓ જ ખરીદી શકાશે
હરાજીમાં ભાગ લેનાર તમામ 10 ફ્રેન્ચાઈઝી પાસે ખેલાડીઓ ખરીદવા માટે માત્ર 87 સ્લોટ ખાલી છે. એટલે કે, મહત્તમ 87 ખેલાડીઓ જ ખરીદી શકાશે. વિદેશી ખેલાડીઓ માટે સ્લોટની મહત્તમ સંખ્યા 30 છે.

સૌથી વધુ બેઝ પ્રાઈઝ 2 કરોડ
ખેલાડીઓની મહત્તમ બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. આમાં 19 વિદેશી ખેલાડીઓ છે. 11 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત મયંક અગ્રવાલ અને મનીષ પાંડે 20 ખેલાડીઓની યાદીમાં બે ભારતીય ખેલાડી છે જેમને 1 કરોડ રૂપિયાની કિંમતની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
હૈદરાબાદમાં પર્સમાં સૌથી વધુ રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદે તેમના કેપ્ટન કેન વિલિયમસન અને નિકોલસ પૂરનને રિલીઝ કર્યા છે. જ્યારે જેસન હોલ્ડરને લખનૌ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો, જ્યારે મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. તેની પાછળનું કારણ ખરાબ પ્રદર્શન તેમજ આ ખેલાડીઓની કિંમત હતી. વિલિયમસન અને પુરનની રિલીઝના કારણે સનરાઇઝર્સને તેમના પર્સમાં 24.75 કરોડ રૂપિયા મળ્યા છે. હવે જો જોવામાં આવે તો સનરાઇઝર્સ હૈદરાબાદના પર્સમાં સૌથી વધુ 42.25 કરોડ રૂપિયા છે. જ્યારે સૌથી ઓછી રકમ 7.05 કરોડ રૂપિયા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના પર્સમાં બાકી રહી છે.