- બુધવારથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ
- બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં 500 રન પૂરા કરવાની વિરાટને તક
- કોહલીને 500 રનની ક્લબમાં સામેલ થવા 108 રનની જરૂર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તમામની નજર ચિત્તાગોંગમાં યોજાનારી મેચ પર ટકેલી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસે અહીં ટેસ્ટ મેચમાં મોટો રેકોર્ડ બનાવવાની તક છે.
વિરાટ કોહલી આ ખાસ ક્લબમાં જોડાશે!
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો રનના મામલે સચિન તેંડુલકર સૌથી આગળ છે. પરંતુ માત્ર 4 ટેસ્ટ મેચ રમનાર વિરાટ કોહલી પણ એક મોટી ઉપલબ્ધિની નજીક છે, વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 392 રન બનાવ્યા છે. તેને 500 રનની ક્લબમાં સામેલ થવા માટે 108 રનની જરૂર છે. આટલા રન કરતાની સાથે જ તે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડની ક્લબમાં સામેલ થઈ જશે.

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન:
• સચિન તેંડુલકર - 7 મેચ, 820 રન
• રાહુલ દ્રવિડ - 7 મેચ, 560 રન
• મુશ્ફિકુર રહીમ - 6 મેચ, 518 રન
• વિરાટ કોહલી - 4 મેચ, 392 રન
સૌથી વધુ વિકેટનો રેકોર્ડ ઝહીર ખાનના નામે
જો વિકેટની વાત કરીએ તો વર્તમાન ટીમમાં ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિન એવા ખેલાડીઓ છે, જે બાંગ્લાદેશ સામે વિકેટ લેવાની રેસમાં આગળ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ ભારતના પૂર્વ ક્રિકેટર ઝહીર ખાનના નામે છે, જેણે 31 વિકેટ લીધી હતી.

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર:
• ઝહીર ખાન - 7 મેચ, 31 વિકેટ
• ઈશાંત શર્મા - 7 મેચ, 25 વિકેટ
• ઈરફાન પઠાણ - 2 મેચ, 18 વિકેટ
• રવિચંદ્રન અશ્વિન - 4 મેચ, 16 વિકેટ
• અનિલ કુંબલે - 4 મેચ, 15 વિકેટ
બાંગ્લાદેશ ભારત સામે એક પણ ટેસ્ટ જીત્યું નથી
ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો બાંગ્લાદેશ આજ સુધી ભારત સામે એકપણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે, જેમાં ભારતે 9 જીતી છે જ્યારે 2 મેચ ડ્રો રહી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2019માં રમાઈ હતી. જે કોલકાતામાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ છેલ્લી વખત ટેસ્ટ સદી ફટકારી હતી.