• વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હાર્દિક
  • પંડ્યાની પગની ઘૂંટીની ઈજા સંપૂર્ણપણે ઠીક થઈ
  • પંડ્યાએ જીમમાં કસરત કરતો વીડિયો કર્યો શેર

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ માટે તમામ 10 ફ્રેન્ચાઇઝીએ જોરદાર રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ આ દરમિયાન 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે.

હાર્દિક પંડ્યા ઇન્જરીમાંથી આવ્યો બહાર

મુંબઈ ટીમનો નવો કેપ્ટન હાર્દિક પંડ્યા પગની ઘૂંટીની ઈજાને કારણે હાલમાં ક્રિકેટથી દૂર છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે પંડ્યા IPL રમી શકશે નહીં. આવી સ્થિતિમાં મુંબઈ ફ્રેન્ચાઈઝીના મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો વધી ગયો હશે. પરંતુ હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે પંડ્યા હવે ફિટ થઈ ગયો છે. TOI અનુસાર, પંડ્યાની પગની ઘૂંટીની ઈજા સંપૂર્ણપણે ઠીક થઈ ગઈ છે અને તે દરરોજ તાલીમ લઈ રહ્યો છે. તે સંપૂર્ણપણે ફિટ છે.

પંડ્યા IPLમાં રમતા જોવા મળશે

ભારતીય ટીમને આવતા વર્ષે 11 જાન્યુઆરીથી ઘરઆંગણે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. ત્યાં સુધીમાં પંડ્યા સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને કેપ્ટન્સી કરતો જોવા મળશે. આ પછી, IPL 2024 સીઝન માર્ચ અને મે વચ્ચે યોજાશે. ત્યારબાદ પંડ્યા પણ મુંબઈની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. એક સૂત્રએ કહ્યું કે પંડ્યા વિશે જે વાતો ચાલી રહી છે કે તે IPL 2024માં નહીં રમે તે માત્ર અફવા છે. IPLમાં હજુ 4 મહિના બાકી છે. એટલા માટે આ બધી માત્ર અટકળો છે.

પંડ્યા વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો હાર્દિક

તમને જણાવી દઈએ કે પંડ્યા વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી પણ બહાર થઈ ગયો હતો. હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તાજેતરમાં જ પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો શેર કર્યા હતા. જેમાં તે જીમમાં પરસેવો પાડતો અને પુત્ર સાથે મસ્તી કરતી જોવા મળ્યો હતો.


હાર્દિકે મુંબઈ સાથે 4 IPL ટાઇટલ જીત્યા

મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મુંબઈએ 2015માં હાર્દિકને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાર્દિક 2015, 2017, 2019 અને 2020માં IPL ટાઈટલ જીતનાર મુંબઈની ટીમનો ભાગ રહ્યો છે. IPL 2021 સુધી હાર્દિક મુંબઈ સાથે રહ્યો.

મેગા ઓક્શન પહેલા હાર્દિકને મુંબઈ દ્વારા રિલીઝ કરાયો

ત્યારપછી 2022ના મેગા ઓક્શન પહેલા હાર્દિકને મુંબઈ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. તે સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર ચાર ખેલાડીઓને રીટેન કરી શકી હતી. આટલું જ નહીં, હાર્દિક ઈજાથી પણ ઝઝૂમી રહ્યો હતો, કદાચ તેના કારણે મુંબઈએ આ નિર્ણય લેવો પડ્યો હતો. તે સમયે મુંબઈએ રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, કિરન પોલાર્ડ અને સૂર્યકુમાર યાદવને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો.

  • Follow us on: