- તાજેતરમાં ચૂંટણી જીતીને WFIના પ્રમુખ બનેલા સંજય સિંહને સસ્પેન્ડ
- સાક્ષી મલિકે કહ્યું કે મને આ માહિતી મીડિયા દ્વારા જ ખબર પડી
- જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પદ્મશ્રી એવોર્ડ પાછો નહીં લઉ: પુનિયા
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને લઇ રેસલર્સ અને અધ્યક્ષ વચ્ચેના વિવાદ મામલે સરકારે નિર્ણય લીધો છે. આ મામલે ખેલ મંત્રાલય તરફથી સૌથી મોટું નિવેદન આવ્યું છે. ખેલ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા નવા ચૂંટાયેલા કુસ્તી સંઘની માન્યતા રદ કરી છે. મતલબ કે તાજેતરમાં ચૂંટણી જીતીને પ્રમુખ બનેલા સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સાક્ષી મલિકે આપી પ્રતિક્રીયા
કેન્દ્રીય રમત મંત્રાલયે રવિવારે (24 ડિસેમ્બર) રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના નવા સંગઠનની માન્યતા રદ કરી દીધી છે. જે બાદ કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું કે મને આ માહિતી મીડિયા દ્વારા જ ખબર પડી. તેણે કહ્યું, "મેં હજુ સુધી સમગ્ર ફેડરેશનને રદ કરવા અંગે લેખિતમાં કંઈ જોયું નથી. મેં ગઈકાલે રાત્રે પણ ટ્વીટ કર્યું હતું કે હું બે દિવસથી પરેશાન છું. અમારી લડાઈ સરકાર સાથે નથી અને ના રહેશે. અમારી લડાઈ માત્ર એક પુરૂષ સાથે હતી, અમારી લડાઈ માત્ર મહિલાઓ માટે હતી, ફેડરેશનમાં નવી છોકરીઓ માટે હતી. મેં મારી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, પરંતુ હું ઈચ્છું છું કે આવનારા કુસ્તીબાજોને ન્યાય મળે."
કુસ્તીબાજોની ભલાઇ માટે થયુ
સાક્ષીએ નિવૃત્તિ પાછી ખેંચી લેવાના પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો. આ પહેલા WFI ના સસ્પેન્શન પર તેમણે કહ્યું હતું કે, "આ કુસ્તીબાજોના કલ્યાણ માટે થયું છે. અમે શરૂઆતથી જ કહી રહ્યા હતા કે આ બહેન-દીકરીઓની લડાઈ છે અને અમે તેના માટે લડતા રહીશું. આ પહેલું પગલું છે. અમે ઈચ્છીએ છીએ કે એક મહિલા WFI ની પ્રમુખ હોવી જોઈએ. સરકારે બહેનો અને દીકરીઓને સમજવી જોઈએ કે અમે શેના માટે લડી રહ્યા છીએ."
..ત્યાં સુધી પદ્મશ્રી પાછો નહીં લઉ: પુનિયા
કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પદ્મશ્રી એવોર્ડ પાછો નહીં લઉ. બજરંગ પુનિયાએ કહ્યું કે, હું પદ્મશ્રી પાછો નહીં લઉ. મને ન્યાય મળશે પછી જ હું તેના વિશે વિચારીશ." અમારી બહેનોના સન્માનથી મોટું કોઈ ઈનામ નથી. અમને પહેલા ન્યાય મળવો જોઈએ."
સાક્ષી મલિક કરી ચૂકી છે કુસ્તી છોડવાની જાહેરાત
આ પહેલા ગુરુવારે (21 ડિસેમ્બર) કુસ્તીબાજ સાક્ષી મલિકે મીડિયાની સામે જાહેરાત કરી હતી કે તે બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહની પસંદગીનો વિરોધ કરીને કુસ્તી છોડી રહી છે. સાક્ષી મલિક અને ઘણી મહિલા રેસલર્સે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા છે. બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર પર પલવાને ઘણા દિવસો સુધી ધરણા કર્યા હતા.
બજરંગ પુનિયાએ લખ્યો હતો પીએમ મોદીને પત્ર
અગાઉ ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ પોતાના એક્સ હેન્ડલ પરથી એક નિવેદન જારી કર્યું હતું કે, “હું મારું પદ્મશ્રી સન્માન વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. આ માત્ર કહેવા માટે મારો પત્ર છે. આ મારૂં નિવેદન છે. પત્રમાં પૂનિયાએ ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ સામે કુસ્તીબાજોના વિરોધ, સંજય સિંહની ચૂંટણી જીત અને એક મંત્રી તરફથી મળેલી ખાતરી વિશે જણાવ્યું હતું અને અંતે પદશ્રી પરત કરવાની વાત કરી હતી.
ભારતીય રેસલિંગ ફેડરેશનની માન્યતા કેમ રદ કરવામાં આવી?
તમને જણાવી દઈએ કે રમત મંત્રાલયે રવિવારે WFI ને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દીધું છે. મંત્રાલયે કહ્યું કે નવી ચૂંટાયેલી સંસ્થાએ કુસ્તીબાજોને તૈયારી કરવા માટે પૂરતો સમય આપ્યો ન હતો અને અંડર-15 અને અંડર-20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કરવાની 'ઉતાવળમાં જાહેરાત' કરી હતી.
આ સાથે મંત્રાલયે કહ્યું કે નવું સંગઠન 'પૂર્વ અધિકારીઓના નિયંત્રણમાં સંપૂર્ણ રીતે કામ કરી રહ્યું છે' જે રાષ્ટ્રીય રમત સંહિતા અનુસાર નથી. WFI ની ચૂંટણી 21 ડિસેમ્બરે યોજાઈ હતી જેમાં બ્રિજ ભૂષણના વિશ્વાસુ સંજય સિંહ અને તેમની પેનલે ભારે માર્જિનથી જીત મેળવી હતી.